સુરતઃ દિગમ્બર જૈન આચાર્ય શાંતિસાગરે આચરેલા દુષ્કર્મમાં વધુ એક ખુલાસો થયો છે.યુવતીએ જ્યારે દુષ્કર્મ અંગેની વાત તેમના માતા-પિતાને કરી ત્યારે યુવતીના પિતાએ આચાર્યને ફોન કરીને કહ્યું હતું કે, “તમે તો મારી દીકરીની જિંદગી બગાડી નાખી છે”. જેના પ્રત્યુત્તરમાં આચાર્યએ જાણે કે કાંઈ બન્યું જ નથી તેવી રીતે એવો જવાબ આપ્યો હતો કે “મેં કાંઈ કર્યું જ નથી તો જિંદગી બગાડવાની વાત જ ક્યાં આવી”?
પોલીસની પ્રાથમિક તપાસમાં બહાર આવેલી હકીકત મુજબ આચાર્ય અને યુવતી મોબાઇલ ફોન પર સંપર્કમાં હતા. તેવામાં આચાર્યએ યુવતીને કહ્યું કે તારે આશીર્વાદ જોઈતા હોય તો તારો ફોટો વોટ્સએપ પર મોકલ. યુવતીએ ફોટો મોકલ્યો તો આચાર્યએ કહ્યું કે કપડાંનું આવરણ હોવાના કારણે આશીર્વાદ બરાબર આપી શકાય નહીં જેથી તું કપડાં કાઢીને ફોટો મોકલ. એ સાથે યુવતીએ નગ્ન ફોટા પણ મોકલ્યા હતા.
સિવિલ હોસ્પિટલ ખાતે પીડિતાના ડીએનએ પ્રોફાઈલિંગ માટે બ્લડ સેમ્પલ લેવામાં આવ્યા હતા. આવતીકાલે આરોપી જૈન આચાર્યનો પોટેન્સી, સીમેન અને ડીએનએ ટેસ્ટ થશે. 376ના કેસમાં આરોપીનું ડીએનએ ટેસ્ટ લેવામાં આવે છે.
ઉલ્લેખનીય છે કે નમૂના મળે તો તેમાં રહેલાં કોષના આધારે જાણી શકાય છે કે આ વીર્ય આરોપીનું જ છે. આ ઉપરાંત જ્યારે પીડિતા ગર્ભવતી હોય ત્યારે જો બાળક થાય ત્યારે આરોપી અને બાળકનુ ડીએનએ ટેસ્ટ મેચ કરવામાં આવે છે. અલબત્ત, આ કેસમાં હાલ ફોરેન્સિક પુરાવા ઊભા કરવા માટે ડીએનએ ટેસ્ટ કરવામાં આવશે.