જામનગર: જામનગરના રણજીતનગરમાં ગુજરાત હાઉસિંગ બોર્ડની જગ્યામાં જર્જરિત બાંધકામો દૂર કરવાની કામગીરી માટે ડિમોલિશન પ્રક્રિયા હાથધરવામાં આવી હતી. જોકે, આ સમયે એક ભાડુઆતે ફીનાઈલ પીને આત્મહત્યા કરવાનો પ્રયત્ન કર્યો હતો. યુવકના આપઘાતના પ્રયત્નથી દોડાદોડી મચી ગઈ હતી. અને પોલીસે તાત્કાલિક યુવકને પકડ્યો હતો. માનવામાં આવે છે કે વર્તમાન ભાડુઆતો કોર્ટમાં ગયા હોવા છતાં ઓર્ડર આવે તે પહેલા ડિમોલિશન પ્રક્રિયા હાથધરી હતી.
મળતી માહિતી પ્રમાણે જામનગર શહેરના રણજીતનગર વિસ્તારમાં આવેલા ગુજરાત હાઉસિંગ બોર્ડના જર્જરિત બાંધકામો દૂર કરવા સવારે ડિમોલિશન પ્રક્રિયા હાથ ધરી હતી. ચાર જેટલી દુકાનો અને એક રહેણાંક મકાનને જર્જરિત હાલતમાં હોવાથી નિયમોનુસાર બાંધકામ દૂર કરવા બુલડોઝર લઈ મહાનગરપાલિકા અને હાઉસિંગ બોર્ડના અધિકારીઓ સવારે પહોંચ્યા ત્યારે સ્થાનિક લોકો દ્વારા ડિમોલિશન કામગીરીનો વિરોધ કરતા ઉહાપોહ મચ્યો હતો.
જે બાદમાં લોકોના ટોળા એકત્ર થઇ ગયા હતા. આ દરમિયાન બુલડોઝર લઇ ડિમોલિશન કામગીરી આરંભાતા દુકાનના ભાડૂત રાજુભાઇ સોલંકીએ ડિમોલિશન કરતી વેળાએ જ ફિનાઈલ પી આપઘાત પ્રયાસ કર્યો હતો. જેને પગલે પોલીસે દોડી જઈ ફિનાઈલ પીને આપઘાતનો પ્રયાસ કરનારની અટકાયત કરી હતી.
રણજીતનગર વિસ્તારમાં રાજકોટથી ગુજરાત હાઉસિંગ બોર્ડના અધિકારી એમ.ડી. કંકોસીયાએ આવી અગાઉ નોટિસ પણ પાઠવી હતી. કોઈ પણ જાતની કોર્ટનો મનાઇ હુકમ ન આવ્યો હોવાની વાત સાથે પોલીસ બંદોબસ્ત વચ્ચે ડિમોલિશન કામગીરી હાથ ધરવામાં આવી હતી.
જામનગરમાં રણજીતનગર વિસ્તારમાં આવેલ હાઉસિંગ બોર્ડના જર્જરીત મકાનો ડિમોલિશન કરતા ઉહાપોહ મચ્યો છે. સ્થાનિક ભાડુઆતોને જણાવ્યા પ્રમાણે તેઓ આ મુદ્દે કોર્ટમાં ગયા છે અને કોર્ટ ચુકાદો આપે તે પહેલાં જ ડિમોલિશન પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે. આ કાર્યવાહી ન્યાયપ્રક્રિયાનો અનાદર હોવાનો રહીશોએ આક્ષેપ કર્યો છે.