Jaya Parvati Vrat : પંચનાથ સહિત અનેક મંદિરોમાં ભક્તિભાવથી પૂજા, રંગબેરંગી શણગારમાં મંદિરો ભક્તોથી ખચાખચ
Jaya Parvati Vrat : ગુજરાતી હિન્દુ કેલેન્ડર અનુસાર દેવપોઢી અગિયારસ બાદ શરૂ થતા ચોમાસાના ધાર્મિક તહેવારોમાં આજે Jaya Parvati Vrat નો પ્રારંભ થયો છે. રાજકોટના પંચનાથ મંદિર સહિત અનેક પવિત્ર સ્થળોએ વહેલી સવારથી કુંવારી યુવતીઓ અને વિવાહિત સ્ત્રીઓ ભક્તિભાવથી માતા પાર્વતીની પૂજા માટે ઉમટી પડી હતી. આ પાંંચ દિવસીય વ્રત સ્ત્રીઓ માટે વિશેષ મહત્વ ધરાવે છે – કુંવારી કન્યાઓ મનપસંદ પતિ મેળવવા માટે અને વિવાહિત સ્ત્રીઓ પતિના આયુષ્ય અને સુખ-શાંતિ માટે આ વ્રત કરે છે.
વ્રતની પરંપરા અને માન્યતા: પાર્વતીજીના ત્યાગ અને શ્રદ્ધાથી શિવજી મળ્યા
આ વ્રત પાછળ માન્યતા છે કે દેવીએ શિવજીને પતિ રૂપે મેળવવા માટે આ પ્રકારનું વ્રત કર્યું હતું. તેથી પણ આ વ્રત શ્રદ્ધાળુ સ્ત્રીઓ માટે આત્મીય અને શ્રદ્ધાસભર બની ગયું છે. એવું માનવામાં આવે છે કે જે કુંવારીકાઓ આ વ્રત ભક્તિપૂર્વક કરે છે, તેમને શિવજી જેવા વર મળે છે.
વ્રતની ધાર્મિક વિધિ: મીઠા વગરનું ભોજન અને નવદિવસીય પૂજન
વ્રત દરમિયાન દરરોજ સવારે વહેલી સવારથી સ્નાન અને વિધિવત પૂજન થાય છે. નગરલીંગ, દિવો, ફળફળાદી અને મીઠા વગરનું ભોજન આ વ્રતમાં મહત્વ ધરાવે છે. પારંપરિક રીતે ઘઉં અથવા મગના જવારા વાવી ભક્તિપૂર્વક તેની સેવા કરવામાં આવે છે. પાંચમો દિવસ ‘જાગરણ’ માટે નિર્ધારિત હોય છે જ્યાં આખી રાત ભજન, કીર્તન થાય છે.
ભક્તિ અને સામૂહિક આરાધનાનો માહોલ
રાજકોટના પંચનાથ મંદિર અને અન્ય મંદિરોમાં આજે ભારે ભીડ જોવા મળી. સુંદર શણગાર કરેલા વ્રત ધારણ કરનારાઓ માતા પાર્વતી અને ભગવાન શિવની આરતીમાં જોડાયા હતા. મંદિરોમાં બ્રાહ્મણો દ્વારા સામૂહિક પૂજા અને આરતી યોજાઈ હતી. મંદિરો ભક્તિમય માહોલથી ગુંજી ઉઠ્યા હતા અને શ્રદ્ધાળુઓમાં ઉમંગ છવાયો હતો.
શ્રદ્ધા પ્રમાણે સમયગાળો નક્કી થાય
આ વ્રત 5, 7, 9, 11 કે 13 વર્ષ સુધી એકી સંખ્યામાં રાખવાની પરંપરા છે. છેલ્લે દરેક વ્રત પુર્ણ થતા દિવસે ‘ઉજવણું’ કરીને સ્ત્રીઓ અન્ય સુહાગન બહેનોને ભોજન કરાવે છે. આ ઉપાસના દ્વારા તન, મન અને ધનની શાંતિ સાથે ઘરગથ્થુ સુખ-સમૃદ્ધિ મળે છે એવું માનવામાં આવે છે.