જેતપુરઃ રવિવારે હોળીનો તહેવાર હતો. આ દિવસે જેતપુરમાં ફરીથી લોહીયાળ ખેલ ખેલાયો હતો. તાજેતરમાં જેતપુરના જેતલસર ગામમાં સગીરાને એક તરફી પ્રેમી દ્વારા જાહેરમાં છરીના ઘા ઝિંકીને હત્યા કરવામાં આવી હતી. જોકે, રવિવારે ફરીથી જાહેરમા ખૂની ખેલ ખેલાયો હતો. જેતપુરમાં હોળીના દિવસે મોટાભાઈએ નાનાભાઈની હત્યા કરી છે. મોટાભાઈ સિકંદરે ફૂલોના હારના દોરા કાપવામાં વપરાતી કાતરનો નાનાભાઈ હારુનની છાતીના ભાગે ઘા માર્યો હતો. જેથી હારુનની છાતીમાંથી લોહીના ફુવારા છૂટ્યા હતા અને તે ઢળી પડ્યો હતો.
ગઈકાલે હોળી પ્રગટાવવાના સમયે સમી સાંજના સમયે સ્ટેન્ડ ચોક વિસ્તાર કે જ્યાં ફૂલોની બઝાર આવેલ છે ત્યાં તેમના વ્યવસાય પર જ બંને ભાઈઓ વચ્ચે માથાકૂટ થઈ જેમાં ફૂલોના હારના દોરા કાપવામાં વપરાતી કાતર મોટાભાઈના હાથમાં આવી ગઈ અને બંને વચ્ચે થયેલ ઝપાઝપીમાં મોટાભાઈ સિકંદરથી નાનાભાઈ હારુનની છાતીના ભાગે એક ઘા લાગી જતા હારુનની છાતીના ભાગેથી લોહીનો ફૂવારો થયો હતો અને જોત જોતામાં તેનું મોત થઈ ગયુ હતુ.
સ્ટેન્ડ ચોક વિસ્તાર વિસ્તારમાં વર્ષોથી ફૂલોનો વ્યવસાય કરતા કાસમભાઈ શેખના પુત્રો સિકંદર અને હારુન વચ્ચે ઘણા સમયથી સામાન્ય માથાકૂટ થતી રહેતી. આ માથાકૂટને કારણે તેમના પિતાએ નાના પુત્રને થોડો સમય બહારગામ પણ મોકલી દીધો હતો.
થોડો સમય રહી ફરી અહીં પરત આવી ગયો હતો. નશા તેમજ મારામારીના આદિ આ બંને ભાઈઓ વચ્ચે ફરી નાની તકરાર થતી રહેતી જેથી તેઓના પિતા બંનેથી કંટાળી ગયા હતાં અને પોલીસને પુત્રોને પકડવા માટે સામેથી ફોન પણ કરતા અને પોલીસે પણ બંને ભાઈઓ ઉપર મારામારી, પ્રોહીબિશનના અનેક ગુન્હાઓ નોંધ્યા હતાં.