Gujarat:લોકસભાની ચૂંટણી ટાણે ગુજરાત કોંગ્રેસને એક પછી એક ઝાટકા મળી રહ્યા છે તેવામાં વડગામના કોંગ્રેસના દલિત નેતા અને ધારાસભ્ય જિગ્નેશ મેવાણીએ કોંગ્રેસની ચિંતા વધારી દીધી છે. જિગ્નેશ મેવાણીએ કોંગ્રેસ નેતાગીરીને રાજીનામું ધરી દેવાની ચીમકી ઉચ્ચારતા કોંગ્રેસમાં નવેસરથી ખળભળાટ મચી ગયો છે.
મીડિયા અને સોશિયલ મીડિયા પર ચાલી રહેલા ન્યૂઝમાં જિગ્નેશ મેવાણીને લઈ ભારે દેકારો મચી ગયો છે.
સુરતમાં નિલેશ કુંભાણીને કારણે ફજેતી થઈ ત્યાં હવે વડગામના કોંગ્રેસના ધારાસભ્ય જિગ્નેશ મેવાણીએ રાજીનામું ધરી દેવાની ચીમકી ઉચ્ચારી છે, આ બાબતને લઈ પ્રદેશ પ્રભારી સહિત કોંગ્રેસની નેતાગીરી બહાવરી બની ગઈ છે.
એક રીતે એક સાંધે ત્યાં તેર તૂટે જેવો ઘાટ ફરી સર્જાય તેવી સ્થિતિ ઊભી થઈ છે, એટલું જ નહિ પરંતુ એવી પણ ચોંકાવનારી હકીકતો સામે રહી છે કે,
પાટણ અને બનાસકાંઠા લોકસભા ક્ષેત્રના આગેવાનોની શનિવારે વડગામ ખાતે બેઠક મળવાની હતી, જેમાં ખુદ મેવાણીએ કોંગ્રેસની મિટિંગ ના થાય તે માટે ધમપછાડા કર્યા હતા અને ઉચ્ચ પોલીસ અધિકારીનો સહારો લીધો હતો, તેમ વડગામના આગેવાનો કહી રહ્યા છે.
મેવાણીનો બહિષ્કાર કરવાની ચીમકી
વડગામના સ્થાનિક આગેવાનોના દાવા પ્રમાણે, વડગામ ખાતે પાટણ અને બનાસકાંઠા બેઠકના ઉમેદવારો માટે આગેવાનોની એક બેઠકનું આયોજન કરાયું હતું. જોકે અચાનક જ વડગામના ધારાસભ્ય મિટિંગની પરવાનગી ના મળે તે માટે બનાસકાંઠાના ઉચ્ચ પોલીસ અધિકારી અને અન્યોને ફોન કરી મિટિંગને મંજૂરી ના મળે તે માટે રજૂઆતો કરી હતી, એટલું જ નહિ પરંતુ જો મિટિંગ મળે તો રાજીનામું ધરી દેવાની ધારાસભ્યે ધમકી આપી છે. અલબત્ત, ગુજરાત કોંગ્રેસના પ્રભારી મુકુલ વાસનિક અને પ્રદેશ પ્રમુખ શક્તિસિંહ ગોહિલ સહિતના આગેવાનો નબળા પુરવાર થઈ રહ્યા છે, પક્ષને બાનમાં લેવાની કોશિશ થઈ છતાં પગલાં ભરતાં નથી, ધારાસભ્યના ધમપછાડા છતાં અંતે બેઠક મળી હતી. આ તબક્કે કેટલાક આગેવાનોએ પોતાનું અપમાન થયું હોવાથી ધારાસભ્ય મેવાણીનો બહિષ્કાર કરવાની ચીમકી ઉચ્ચારી હતી.
અને હવે પછી કોઈ પણ કાર્યક્રમમાં ધારાસભ્યને નહિ બોલાવવા સંદર્ભે ચર્ચાઓ કરી હતી. આમ કોંગ્રેસના ઘરમાં જ અંદરો અંદર બબાલ મચી છે.