Judges oath ceremony: શક્તિશાળી ન્યાયવ્યવસ્થા તરફ એક પગલું વધુ, ગુજરાત હાઈકોર્ટમાં 7 નવા ન્યાયાધીશોનો સમાવેશ
Judges oath ceremony: આજે ગુજરાત હાઈકોર્ટમાં ન્યાયિક ઇતિહાસ માટે મહત્વપૂર્ણ દિવસ રહ્યો, જ્યારે નવા નિયુક્ત 7 ન્યાયાધીશોએ તેમના પદના શપથ લીધા. ગુજરાત હાઈકોર્ટના મુખ્ય ન્યાયમૂર્તિ સુનિતા અગ્રવાલે આ તમામ નવા ન્યાયાધીશોને શપથ અપાવી હતી.
શપથ લીધેલા ન્યાયાધીશો એ છે: લિયાકતહુસૈન શમસુદ્દીન પીરઝાદા, રામચંદ્ર ઠાકુરદાસ વાછાણી, જયેશ લખનશીભાઈ ઓડેદરા, પ્રણવ મહેશભાઈ રાવલ, મૂળચંદ ત્યાગી, દિપક મનસુખલાલ વ્યાસ અને ઉત્કર્ષ ઠાકોરભાઈ દેસાઈ. આ તમામ ન્યાયાધીશોની નિમણૂક ભારતના રાષ્ટ્રપતિ દ્વારા કરવામાં આવી છે અને હાઈકોર્ટ કોલેજિયમની ભલામણના આધારે મંજૂરી આપવામાં આવી છે.
આ શપથવિધીનો આયોજન હાઈકોર્ટના મુખ્ય ન્યાયાલયના પ્રાંગણમાં કરવામાં આવ્યો હતો. તેમાં ન્યાયતંત્ર વિભાગના કેબિનેટ મંત્રી ઋષિકેશ પટેલ, રાજ્ય ગૃહ મંત્રી હર્ષ સંઘવી, એડવોકેટ જનરલ કમલભાઈ ત્રિવેદી, અન્ય ન્યાયાધીશો તથા વરિષ્ઠ વકીલગણ અને અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.
હવે ગુજરાત હાઈકોર્ટમાં ન્યાયાધીશોની કુલ સંખ્યા 38 થઈ છે, જે અત્યાર સુધીની સર્વોચ્ચ ગણાય છે. આ નવનિયુક્તિઓથી ન્યાયતંત્રમાં કાર્યક્ષમતા વધે તેવી આશા વ્યક્ત કરવામાં આવી રહી છે. ખાસ કરીને પેન્ડિંગ કેસોની સંખ્યા ઓછી કરવામાં આ પગલાને મહત્વપૂર્ણ માનવામાં આવી રહ્યું છે.