Junagadh Tantrik Fraud: તાંત્રિક વિધિના નામે દુષ્કર્મ, મહિલાને જાનથી મારી નાખવાની ધમકી આપી
ઘરનો દરવાજો બંધ કરી દુષ્કર્મ આચર્યુ
ધમકી સાથે પીડિતાને ડરાવવાનો પ્રયાસ
Junagadh Tantrik Fraud: જૂનાગઢ જિલ્લાના કેશોદ તાલુકાના પંચાળા ગામમાં તાંત્રિક વિધિના બહાને મહિલા સાથે દુષ્કર્મની ઘટના સામે આવી છે. આ ઘટનામાં રણજિત પરમાર નામના શખ્સે સુખ શાંતિ અને ધંધા-રોજગારમાં વૃદ્ધિ લાવવાનું લાલચ આપીને મહિલાની સાથે બળજબરી કરીને દુષ્કર્મ આચર્યું હતું. આ ઘટનાની પોલીસમાં ફરિયાદ નોંધાવાયા બાદ કેશોદ પોલીસ આરોપી વિરુદ્ધ કાર્યવાહી કરી રહી છે.
શું છે સમગ્ર ઘટના?
મહિલાની ફરિયાદ મુજબ, તે મજૂરીનું કામ કરતી હતી અને રણજિત પરમાર સાથે તેની મુલાકાત થઈ હતી. ઘર માટે સુખ-શાંતિ અને ધંધામાં વૃદ્ધિ માટે તાંત્રિક વિધિ કરાવવાની ઈચ્છા જાહેર કરતાં રણજિતે તેને કહ્યું કે તે તેને મદદ કરશે. શુક્રવારે રાત્રે લગભગ 10 વાગ્યે રણજિત મહિલાના ઘરે આવ્યો. દીવો પ્રગટાવી તેનો વિશ્વાસ જીત્યો અને પછી દરવાજો બંધ કરીને થપ્પડ મારી હતી.
મહિલાનો વિરોધ છતાં, રણજિતે તેના પર દુષ્કર્મ આચર્યું અને કોઈને જાણ કરવાથી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. આ કૃત્ય આચર્યા પછી, રણજિત થોડા જ મિનિટોમાં ત્યાંથી ફરાર થઈ ગયો.
પરિવારને જાણ અને પોલીસમાં ફરિયાદ
આ દુષ્કર્મની ઘટના બાદ મહિલાએ પોતાના પતિ અને જેઠાણીને આ અંગે જાણ કરી. પહેલા તે કેશોદ સિવિલ હોસ્પિટલમાં સારવાર માટે ગઈ હતી અને પછી કેશોદ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી.
પોલીસ દ્વારા કાર્યવાહી
પોલીસે રણજિત પરમાર વિરુદ્ધ ગુનો નોંધી તેને પકડવા માટે તપાસ શરૂ કરી છે. ડીવાયએસપી દિનેશ કોળિયાતરે જણાવ્યું કે, આ ઘટના દરમિયાન મહિલાના પતિ ઘરમાં હાજર ન હતા. રણજિતે તાંત્રિક વિધિ કરવાના બહાને મહિલાના વિશ્વાસ સાથે છેતરપિંડી કરી હતી.
આ કેસ એ સૂચવે છે કે લોકોના અંધવિશ્વાસને જો સમયસર ન અટકાવવામાં આવે, તો તે આવા ગંભીર ગુનાઓમાં ફેરવાઈ શકે છે.