KBZ Namkeen factory fire: રાજકોટમાં KBZ નમકીન કંપનીમાં ભીષણ આગ: ફાયર વિભાગની પાંચ ગાડીઓ ઘટનાસ્થળે, હજુ પણ આગ બેકાબૂ
KBZ Namkeen factory fire: રાજકોટના નાકરાવાડી વિસ્તારમાં આવેલા KBZ નમકીન અને વેફર ઉત્પાદક કંપનીમાં આજે સવારે 9 વાગ્યે ભીષણ આગ લાગતાં દોડધામ મચી ગઈ. આગ એટલી વિકરાળ હતી કે, તેના ધુમાડાના ગોટેગોટા પાંચ કિલોમીટર સુધી દેખાયા. પ્રાથમિક માહિતી અનુસાર, કંપનીમાં 200થી 250 જેટલા કર્મચારીઓ હાજર હતા, પરંતુ સૌને સલામત બહાર કાઢી લેવામાં આવ્યા છે.
ફાયર વિભાગની ત્વરિત કાર્યવાહી
આગની જાણ થતા જ ફાયર વિભાગે તાત્કાલિક એક ગાડી મોકલી, પણ પરિસ્થિતિ ગંભીર થતા વધુ ચાર ગાડીઓ ઘટનાસ્થળે બોલાવાઈ. હાલમાં 50થી વધુ ફાયર ફાઈટર્સ દ્વારા પાણી અને મિકેનિકલ ફોમનો મારો ચલાવી આગ પર કાબૂ મેળવવાનો પ્રયાસ થઈ રહ્યો છે.
કંપનીના મેનેજરની પ્રતિક્રિયા
KBZ ફૂડ લિમિટેડના એચઆર મેનેજર સત્યજિત ઝાલાએ જણાવ્યું કે, “મારે 9:15 વાગ્યે આગ લાગ્યાની જાણ થઈ, જેને પગલે તરત જ ફાયર વિભાગને સંપર્ક કર્યો. ફાયરની ટીમો ઘટનાસ્થળે પહોંચી ગઈ છે, અને આગ વધુ ન ફેલાય તે માટે તમામ સુરક્ષાત્મક પગલાં લેવામાં આવી રહ્યા છે.”
પ્રશાસન અને ફાયર વિભાગનો સંકલિત પ્રયાસ
રાજકોટ તાલુકાના મામલતદાર કે.એસ. મકવાણાએ જણાવ્યું કે, “આગનું ચોક્કસ કારણ હજુ જાણવા મળ્યું નથી, પરંતુ બોઈલર વિસ્તારથી આગ લાગવાની શક્યતા છે. હાલ ફાયર વિભાગ આગને કાબૂમાં લેવા માટે સતત પ્રયત્નશીલ છે.”
આગ પર શીઘ્ર કાબૂ મેળવવાની શક્યતા
રાજકોટ મનપાના ફાયર ઓફિસર આર.એ. જોબન મુજબ, “હાલ ચાર ફાયર ગાડીઓ દ્વારા આગ બુઝાવવાની કામગીરી ચાલી રહી છે, અને વધુ એક ગાડી ટૂંક સમયમાં પહોંચી જશે. આગ ઓઇલ ટેન્ક સુધી ફેલાઈ છે, જેના કારણે મિકેનિકલ ફોમનો ઉપયોગ કરાઈ રહ્યો છે.”
જાનહાનિ નહીં, પણ મોટું આર્થિક નુકસાન
હાલ સુધી કોઈ જાનહાનિના અહેવાલ નથી, પણ માલસામાન અને મિલકતનું મોટાપાયે નુકસાન થયું હોવાનું અંદાજ છે. આગ શા કારણે લાગી અને કંપની પાસે ફાયર NOC હતી કે નહીં, તે અંગે તપાસ ચાલુ છે.