Kiran Khabad arrest: કોર્ટે કિરણ ખાબડના 7 દિવસના રિમાન્ડ મંજૂર કર્યા
Kiran Khabad arrest: દાહોદમાં મનરેગા યોજના સંબંધિત કૌભાંડની તપાસ ચાલી રહી છે, જેમાં રાજ્યના પંચાયત અને કૃષિ મંત્રી બચુ ખાબડના પુત્ર કિરણ ખાબડની ફરીથી ધરપકડ કરવામાં આવી છે. દાહોદની ન્યાયાલયે કિરણ ખાબડને 7 દિવસની પોલીસ રિમાન્ડ પર મોકલવાની મંજૂરી આપી છે. અગાઉના કેસમાં જામીન પર છૂટ્યા બાદ કિરણની આ વખતની અટકાયત જૂનાગઢ સબજેલની બહારથી કરવામાં આવી છે.
દાહોદ જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નિયામક શરદકુમાર બાંભરોલિયાની નવી ફરિયાદમાં દેવગઢ બારિયાના લવારીયા ગામની 79 કામગીરીમાંથી 21માં ગેરરીતિઓ બહાર આવી છે. આ ગેરરીતિઓમાં ₹18.41 લાખની કાગળપર આધારિત ખોટી ચુકવણીનો આરોપ છે.
મનરેગા યોજનામાં ટોટલ ₹71 કરોડના કથિત ભ્રષ્ટાચારમાં વિવિધ સરકારી અધિકારીઓ અને એજન્સીઓ દ્વારા ખોટા દસ્તાવેજો બનાવવાના અને ટેન્ડર વિના પેમેન્ટ કરવાની શંકા છે. ખાસ કરીને સ્ટોન પેવર બ્લોકના 11 કામો સ્થળ પર થયા નથી, છતાં તેમને પેમેન્ટ કરાઈ હોવાનું સામે આવ્યું છે. મંત્રી બચુ ખાબડના બંને પુત્રો કિરણ અને બળવંતને અગાઉ પણ આ મામલામાં ધરપકડ થઈ ચૂકી છે.
નવી ફરિયાદ અનુસાર, લવારીયા ગામમાં 21 કામોને કાગળ પર દર્શાવી ₹18.41 લાખની ગેરકાયદેસર ચુકવણી કરવામાં આવી છે. આ મામલે તપાસ ચાલી રહી છે અને વધુ ખુલાસા રિમાન્ડ દરમિયાન થઈ શકે તેવું માનવામાં આવે છે. દાહોદમાં આ કૌભાંડને લઈને રાજકીય વાતાવરણ ગરમાયું છે અને અન્ય અધિકારીઓ તેમજ નેતાઓની સંડોવણી પણ બહાર આવવાની શક્યતા છે.