અમદાવાદ-મુંબઇ બુલેટ ટ્રેનની કામગીરી વડોદરામાં ઝડપથી ચાલી રહી છે, જેમાં જમીન સંપાદન, અડચણો દૂર કરવાનું અને વળતર ચૂકવવાનું કામ ૯૮ ટકા પૂર્ણ થઇ ગયું હોવાનો દાવો તંત્ર દ્વારા થઈ રહ્યો છે. આ પ્રોજેક્ટ સાકાર થતાં વડોદરાનો સ્ટેશન વિસ્તાર પેસેન્જર હબ બની જશે, તેમ માનવામાં આવે છે.
સૂત્રોના જણાવ્યા અનુસાર વડોદરામાં બુલેટ ટ્રેન માટેનું જમીન સંપાદન, રૂટમાં આડે આવતાં મકાન, દીવાલો અને નડતરરૂપ બાંધકામોનું ડિમોલિશનનું કામ પણ ૯૮ ટકા પૂર્ણ થઇ ગયું છે. વડોદરામાં બુલેટ ટ્રેનનું સ્ટેશન હાલ જ્યાં રેલવે સ્ટેશન છે ત્યાં પ્લેટફોર્મ નંબર-૭ની બાજુમાં જ બનાવવામાં આવશે. આ માટેની કામગીરી પણ શરૂ કરી દેવામાં આવી છે. વડોદરા શહેરમાં બુલેટ ટ્રેનનું સ્ટેશન રેલવે સ્ટેશનના પ્લેટફોર્મ નંબર-૭ પાસે બનતું હોવાથી બુલેટ ટ્રેનમાં અમદાવાદ કે સુરત, મુંબઇ તરફથી આવતા કે વડોદરાથી અન્ય શહેરમાં જતા મુસાફરોને મોટો ફાયદો થશે. મુસાફરો ચાલીને જ બુલેટ ટ્રેનના સ્ટેશનમાં કે બુલેટ ટ્રેનના સ્ટેશનમાંથી રેલવે સ્ટેશનમાં જઇ શકશે.
બીજી તરફ બુલેટ ટ્રેનના સ્ટેશનની બિલકુલ સામે જ વડોદરાનું મુખ્ય એસ.ટી. બસ સ્ટેશન અને સિટી બસનું મથક આવેલું છે, જેથી બુલેટ ટ્રેનના મુસાફરોને એસ.ટી. બસ, સિટી બસમાં બેસવા માટે કે વડોદરાથી બુલેટ ટ્રેનમાં જતાં લોકોને માત્ર વોકિંગ ડિસ્ટન્સમાં જ બધી સુવિધા મળી જશે, જેથી તેમના મુસાફરી ખર્ચ અને સમય પણ બચશે.
વડોદરા શહેરના સયાજીગંજ વિસ્તારમાં જ આવેલા વડોદરાના બસ ટર્મિનલમાંથી હાલ એવી વ્યવસ્થા છે કે સીધા રેલવે સ્ટેશનના પ્લેટફોર્મ નંબર-૭ પર રોડ ઓળંગ્યા વિના સ્કાય વોક-વે દ્વારા ચાલીને જઇ શકાય છે, તેથી બુલેટ ટ્રેનમાં આવતા કે જતા મુસાફરો સીધા બસ સ્ટેશનમાં આવી-જઇ શકશે. આ સિવાય સિટી બસ સ્ટેશન પણ બાજુમાં જ આવેલું હોવાથી આ વિસ્તાર પેસેન્જર હબ બની જશે, તેવી માહિતી સૂત્રો દ્વારા મળી હતી.