Lawrence Bishnoi gang associate arrested: ડોન બનવાનું સપનું અને સોશિયલ મીડિયા પર ગેંગનો સંપર્ક
Lawrence Bishnoi gang associate arrested: અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે ગુપ્ત માહિતીના આધારે એક મોટા ગુનાખોરને પકડ્યો છે. આ આરોપી છે મનોજ ઉર્ફે “ચક્કી” સાલવી, જે કથિત રીતે લોરેન્સ બિશ્નોઈ ગેંગનો એક સક્રિય સાગરીત છે અને લાંબા સમયથી પોલીસથી દૂર હતો…તેની ધરપકડ ઉદયપુરથી કરવામાં આવી છે.
પોલીસના જણાવ્યા મુજબ, મનોજનો મુખ્ય કામ ગેંગ માટે હથિયાર પહોંચાડવાનો હતો. તે લોરેન્સ ગેંગના રોહિત ગોદારા, પ્રિન્સ રાણા અને અનમોલ બિશ્નોઈ જેવા અગ્રણીઓ સાથે સીધો સંપર્કમાં હતો. તેને સોશિયલ મીડિયા મારફતે ગેંગના સભ્યો સાથે જોડાણ વધાર્યું હતું અને પોતાનું “ડોન બનવાનું સપનું” સાકાર કરવાનું આયોજન કર્યું હતું.
સગીર વયથી ગુનાની દુનિયામાં પ્રવેશ
મનોજ સાલવી માત્ર 17 વર્ષની ઉંમરે ગુનાઈત પ્રવૃત્તિમાં જોડાઈ ગયો હતો. વોટ્સએપ, ઈન્સ્ટાગ્રામ અને ફેસબુક પર પોતાની ગેંગ સાથેની તસવીરો અને રીલ્સ મૂકીને તે પોતાની છબી એક ગુનાહિત વ્યક્તિ તરીકે ઊભી કરવાનો પ્રયત્ન કરતો.
તે અગાઉ પણ હથિયારની હેરાફેરીમાં ગુનેગાર ઠર્યો છે અને બે વાર જેલ જઇ ચૂક્યો છે. 2022માં એટીએસે હાથ ધરેલી તપાસમાં પણ તે મુખ્ય આરોપી તરીકે બહાર આવ્યો હતો. તે સમયે તેણે રૂપાલાલ નામના વ્યક્તિને હથિયાર આપ્યા હતા, જે એલિસબ્રિજ વિસ્તારમાં ઝડપાયો હતો.
ગોગામેડી હત્યાકાંડમાં પણ મનોજનો હાથ
શ્રી રાષ્ટ્રીય રાજપૂત કરણી સેનાના પ્રમુખ સુખદેવસિંહ ગોગામેડીની હત્યામાં પણ મનોજનો સીધો હાથ હોવાનું ખુલ્યું છે. પોલીસે જણાવ્યું કે હત્યાથી થોડા સમય પહેલાં ઉદયપુરમાં મનોજે મુખ્ય આરોપી રોહિત રાઠોડને આશરો આપ્યો હતો અને તેને હથિયાર પુરા પાડ્યા હતા. જોકે, પહેલાં રાઉન્ડમાં ઉદયપુર પોલીસએ હથિયાર સાથે આરોપીઓ પકડી લીધા હતાં, પરંતુ બાદમાં તેમને જામીન મળ્યા હતા અને બાદમાં ગોગામેડીની હત્યા કરી નાખવામાં આવી હતી.
સિગ્નલ એપ અને સેલ્ફી મારફતે હથિયારની ડિલિવરી
મનોજ પોતાની પરિચિત જગ્યાએ પહોંચ્યો હોવાનો પુરાવો આપવા સેલ્ફી મોકલતો અને તેના કપડાંના ફોટા શેર કરતો. ત્યારબાદ તેને હથિયાર અને રોકડની ડિલિવરી આપવામાં આવતી, જેને તે નિર્ધારિત સ્થળે પહોંચાડતો હતો. લોરેન્સ ગેંગની અંદર તેનું કામ વિશ્વાસભર્યું માનવામાં આવતું હતું.
અનેક રાજ્યોમાં કેસ, હવે ફરીથી જેલની યાત્રા
મનોજ વિરુદ્ધ રાજસ્થાન, દિલ્હી અને ગુજરાત સહિતના રાજ્યોમાં હથિયાર હેરાફેરી અને અન્ય ગુનાઓના કેસ નોંધાયા છે. તે સુખદેવ ગોગામેડીની હત્યાના કેસમાં NIA દ્વારા પણ ધરપકડમાં આવ્યો હતો અને દોઢ વર્ષ સુધી જેલમાં રહી જામીન પર છૂટ્યો હતો. હાલ અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે તેની ધરપકડ કરીને આગળની પૂછપરછ શરૂ કરી છે.