ગાંધીનગરઃ ગુજરાતમાં આજે સ્થાનિક સ્વરાજનીચૂંટણીનું બીજા તબક્કાનું મતદાન યોજાયું હતું. કેટલીક ઘટનાઓને બાદ કરતા ગુજરાતમાં શાંતિપૂર્ણ રીતે મતદાન યોજાયું હતું. ગુજરાતમાં આજે 31 જિલ્લા પંચાયતો, 231 તાલુકા પંચાયતો અને 81 નગરપાલિકાની ચૂંટણીનું મતદાન થયું હતું. મતદાનની ટકાવારીની વાત કરીએ તો ગુજરાતમાં સવારે 7 વાગ્યાથી સાંજના 6 વાગ્યા સુધીમાં જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયતમાં 60 ટકાથી વધુ મતદાન નોંધાયું છે. જ્યારે નગરપાલિકામાં પણ મતદાનની ટકાવારી 54થી 55 ટકાની આસપાસ રહી છે.
ઉલ્લેખનીય છે કે પાલિકા પંચાયતોની કુલ 8302 બેઠકો માટે 22,116 ઉમેદવારો મેદાનમાં છે. 240 બેઠકો અગાઉ બિનહરીફ જાહેર થયેલી છે. 36,218 મતદાન મથકો પર કુલ 2.97 કરોડ નોંધાયેલા મતદારો હતા. જેમાંથી 60 ટકા મતદારોએ મતદાન કર્યું છે.
હવે 2જી માર્ચે મતગણતરી યોજાશે. જો કે મતદાન મામલે સૂસ્ત રહેલા શહેરો કરતા ગામડા ગાજ્યા છે અને 6 વાગ્યા સુધીનું સરેરાશ 60 ટકા મતદાન નોંધાયું હતું. આમ મહાનગર પાલિકાના મતદાન કરતા 15 ટકા જેટલું વધું મતદાન નોંધાયું છે.
જ્યારે આ પહેલા 21 ફેબ્રુઆરીના રોજ 6 મહાનગરપાલિકામાં કુલ 1,14,67,358 મતદારો હતા. જેમાંથી 46.08 ટકા મતદારોએ મતદાન કર્યું હતું. જેના 23 ફેબ્રુઆરીએ પરિણામો જાહેર થયા હતા અને તમામ મહાનગર પાલિકામાં ભાજપે સત્તા મેળવી છે.
ગાંધીનગર તેમજ નસવાડીમાં વરરાજા લગ્નના સાત ફેરા ફરતા પહેલા સાત ફેરા કરતા પહેલા લોક સાહિના પર્વમાં ભાગીદાર બની મતદાન કર્યું હતું. જ્યારે ગોધરા-ગોંડલમાં EVM બંધ થતા ઉમેદવારો તેમજ મતદારો રોષે ભરાયા હતા. સંતરામપુર તાલુકાની ગોઠીબ જિલ્લા પંચાયતના ભાજપના ઉમેદવારે ચૂંટણીની પૂર્વ રાત્રિના કોંગ્રેસના ટેકેદારો ઉપર જીવલેણ હુમલો કર્યો હોવાનો આરોપ લગાવવામાં આવી રહ્યો છે.