મહીસાગરઃ છેલ્લા બે દિવસમાં વિદ્યાર્થીઓના આત્મહત્યાના કિસ્સાઓ વધી ગયા છે. રાજકોટમાં એન્જીનિયરના વિદ્યાર્થીના આપઘાત બાદ હવે મહીસાગરના બાલાસિનોરમાં પણ એમબીબીએસના વિદ્યાર્થીનો આપઘાત સામે આવ્યો છે. પ્રેમમાં કથિત દગાના કારણે હતપ્રભ બનેલા બાલસિનોરના એક આશાસ્પદ યુવકે અંતિમ વીડિયો બનાવી અને નર્મદા કેનાલમાં ઝંપલાવી જિંદગી ટૂંકાવી છે. આ ઘટનાના કારણે સમગ્ર જિલ્લામાં હાહાકાર મચી ગયો છે.
જોકે, આપઘાત કરતા પહેલાં MBBSના આ વિદ્યાર્થીએ રડતાં રડતાં અંતિમ વીડિયોમાં કહ્યું કે ‘મેં તને ટ્રુ લવ કર્યો, તે મને દગો આપ્યો, બાય લવ યુ સો મચ’ આવું કહીને તેણે કેનાલમાં ઝંપલાવી દીધું. આ ઘટનામાં યુવકનું મોત થયું છે જ્યારે પરિવારે પોતાનો વ્લસોયો ગુમાવ્યો છે. પરિવારે આ મામલે બાલાસિનોરના સેવાલિયા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે.
બનાવની વિગતો એવી છે કે મહીસાગર જિલ્લાના બાલાસિનોર નગરની મહાલક્ષ્મી સોસાયટીમાં વસવાટ કરતા શિક્ષક સુરેશ ભાઈનો એકનો એક દીકરો હર્ષિલ કે જે ફિલિપાઈન્સ ખાતે MBBSમાં અભ્યાસ કરે છે અને રજાઓ હોવાથી છેલ્લા કેટલાક દિવસોથી વતનમાં બાલાસિનોર આવ્યો હતો.
ગત તારીખ 5 એપ્રિલના રોજ પ્રેમમાં દગો મળ્યો હોવાથી સાચા પ્રેમની વેદના સાથે કેનાલમાં ઝંપલાવતા પહેલાં વીડિયો બનાવી મિત્ર વર્તૂળમાં સેન્ડ કરી ગળતેશ્વર ગામ ખાતે આવેલ નર્મદા કેનાલમાં ઝંપલાવી તેણે મોત ને વહાલું કર્યું છે.