ગાંધીનગર : ગુજરાતમાં જે રીતે કોરોના વકરી રહ્યો છે તેને જોતા હવે રાજ્ય સરકારે કડક પગલાં હાથ ધર્યા છે. રાજ્યની જનતાને આ વાયરસથી બચાવવા માટે જાહેરમાં માસ્ક ફરીજીયાત બનાવવાની સાથે હવે તેના દંડ પણ બમણો કરવામાં આવ્યો છે. મુખ્યમંત્રી વિજય રૂપાણીએ તાજેતરમાં જાહેર કરેલા નિર્ણય મુજબ હવેથી જાહેરમાં માસ્ક ન પહેરનારા તેમજ થુંકનારાને રૂ.500નો દંડ ચૂકવવો પડશે. આ નિર્ણય 1 ઓગસ્ટથી અમલી બનશે.
ઉલ્લેખનીય છે કે, હાલ આ માટે દંડની રકમ 200 રૂપિયા છે. જેમાં બમણાથી પણ વધુ વધારો કરવામાં આવ્યો છે અને હવે 1 ઓગસ્ટથી જાહેરમાં માસ્ક ન પહેરનારા તેમજ થુંકનારા પાસેથી રૂ.500નો દંડ વસુલવામાં આવશે.
આ સાથે જ મુખ્યમંત્રી રૂપાણીએ નાગરિકોને માસ્ક સરળતાથી ઉપલબ્ધ થઇ શકે તે હેતુસર એવો પણ નિર્ણય કર્યો છે કે, રાજ્યમાં આવેલા અમૂલ પાર્લર પરથી માત્ર 2 રૂપિયાની નજીવી કિંમતે સાદા માસ્ક નાગરિકોને મળી શકશે.