ગુજરાત રાજ્યમાં કોરોનાનો કહેર સતત વધી રહ્યો છે. રાજ્યમાં કોરોના સંક્રમીતોનો આંકડો 22000 ને પાર કરી ચુક્યો છે ત્યારે કોરોના ફ્રન્ટ લાઈન કોરોના વોરિયર એવા ડોકટરો પણ મોટી સંખ્યામાં કોરોનાની ચપેટમાં આવી રહ્યા છે. માત્ર અમદાવાદ સિવિલમાં જ 100થી વધુ ડોકટરો કોરોનાથી સંક્રમિત થયા છે. જયારે બે નર્સનો કોરોના ને કારને પોતાનો જીવ ગુમાવ્યો છે. આ સંજોગોમાં સરકારી હોસ્પીટલમાં કાર્યરત ડોક્ટર્સમાં ભયનું વાતાવરણ ફેલાયું છે. અને ઘણાં ડોક્ટર્સે તો નોકરી છોડવાનો નિર્ણય કર્યો છે. આવી પરિસ્થિતિમાં રાજ્ય સરકારે કોઇપણ ડોક્ટરનું રાજીનામુ ન સ્વિકારવા આદેશ કરવો પડ્યો છે. ગુજરાત રાજ્યમાં કોરોના કેસમાં સતત વધારો જોવા મળી રહ્યો છે. વર્લ્ડો મીટર અનુસાર વર્લ્ડ રેન્કિંગમાં પણ ભારત યુકે ને પછાડીને ચોથા સ્થાને પહોચી ચુક્યું છે. સરકાર ના પ્રયત્નો છતાંય કોરોના કાબુમાં નથી આવી રહ્યો.
ફ્રન્ટલાઇન વોરિયર્સ તરીકે કામ કરતાં ડોક્ટરોને સરકારી હોસ્પિટલમાં કોરોનાથી જોખમ લાગી રહ્યુ છે. આ સિવાય ડોક્ટરોને પંદર દિવસ નોકરી કરવાની અને પંદર દિવસ કવોરન્ટાઇનમાં રહેવાનું હોય છે. આવી પરિસ્થિતિમાં પરિવારથી દૂર રહીને હોસ્પિટલમાં સતત કામ કરવાનું હોય છે. બીજી તરફ સંક્રમણ વધતાં પરિવારજનો પણ સતત ટેન્શનમાં રહેતા હોય છે. સરકારી હોસ્પિટલોમાં ડોક્ટરોની વારંવાર બદલી કરાય છે. કોરોનાના દર્દીઓ સાથે સીધો સંપર્ક હોવા છતાંય પુરતી સુવિધા મળતી નથી. આ બધા કારણોસર ડોક્ટરોને હવે પોતાની નોકરી જોખમી લાગી રહી છે. ઉપરાંત ખાનગી હોસ્પિટલમાં સુવિધા ઉપરાંત મોટા પગારની પણ ઓફર હોવાથી ડોક્ટરો રાજીનામા આપવા તૈયાર થયાં છે. એકબાજુ કોરોના કાળમાં ગુજરાતમાં સરકારી હોસ્પીટલમાં ડોક્ટરોની તંગી જોવા મળી રહી છે, ત્યારે બીજી બાજુ જે છે તે પણ રાજીનામાં આપવા તૈયારી દર્શાવી રહ્યા છે. જેને લઈને રાજ્ય આરોગ્ય વિભાગની પરેશાનીમાં વધારો જોવા મળી રહ્યો છે. ત્યારે આરોગ્ય વિભાગે હાલતો કોઇપણ ડોક્ટરનું રાજીનામુ ન સ્વિકારવા આદેશ કર્યો છે.