Medical College Fee Hike : એમબીબીએસ, પોસ્ટગ્રેજ્યુએશન અને પેરા મેડિકલ કોર્સ પર અસર
Medical College Fee Hike : ગુજરાતમાં ડોક્ટર બનવાનું સપનું હવે વધુ ખર્ચાળ બનશે. રાજ્યની 19 સ્વનિર્ભર મેડિકલ કોલેજોમાં સરકારી ક્વોટાના ફીમાં રૂ. 1 લાખથી વધુનો ઉછાળો કરવામાં આવ્યો છે. ફી રેગ્યુલેટરી કમિટી (FRC) દ્વારા બહાર પાડેલા તાજા નિર્ણયો અનુસાર આ વધારો 8 થી 12 ટકા સુધીનો છે, જે અંડરગ્રેજ્યુએટ અને પોસ્ટગ્રેજ્યુએટ બંને મેડિકલ કોર્સમાં લાગુ પડશે.
સરકારી ક્વોટામાં ફી હવે 8.30 થી 11.20 લાખ રૂપિયાની વચ્ચે રહેશે, જ્યારે મેનેજમેન્ટ કોટાની ફી 18.27 થી 25.53 લાખ સુધી પહોંચી ગઈ છે. આ ફી વધારો એમબીબીએસ (MBBS), એમડી-એમએસ (MD-MS) ઉપરાંત પેરા મેડિકલ જેવા અન્ય કોર્સો પર પણ લાગુ પડ્યો છે.
ગત કેટલાક વર્ષોમાં દર ત્રણ-ત્રણ વર્ષે સેલ્ફ ફાઈનાન્સ મેડિકલ કોલેજોમાં ફી વધારો થતો રહ્યો છે. છેલ્લા વખત ફી વધારો 2021 માં નિર્ણય તરીકે આવ્યો હતો પણ કોરોનાકાળને કારણે અમલમાં લાવવામાં આવ્યો ન હતો. હવે આ વર્ષથી જ 8-12 ટકાનો વધારો કરાયો છે.
નવા પ્રવેશ લેનારા વિદ્યાર્થીઓ માટે આ ફી આ ચાર વર્ષ માટે સ્થિર રહેશે. જોકે, 2026-27 ના સત્રમાં પ્રવેશ લેનાર વિદ્યાર્થીઓએ ફરી 12 ટકા વધુ ફી ભરવાની તૈયારી રાખવી પડશે.
આ ફી વધારો ડોક્ટર બનવાની ઈચ્છા ધરાવતા વિદ્યાર્થીઓ અને તેમના પરિવારો માટે મોટો આર્થિક બોજ બની શકે છે.