બોડેલી તાલુકામાં આવેલી કરાલી દૂધમંડળીમાં ફેટના યોગ્ય ભાવ ન મળતા દૂધઉત્પાદકોએ હલ્લાબોલ કર્યું હતું. રોષે ભરાયેલા દૂધઉત્પાદકોએ દૂધમંડળીને તાળા મારી દીધા હતા. કરાલીની દૂધમંડળીમાં સભાસદોએ દૂધ ન ભરી હોબાળો મચાવી ફેટ માપવાના જૂના મશીનને બદલે નવું ઓટોમેટીક મિલ્ક મશીન મુકવા માંગણી કરી હતી. વિવાદ વકરતા દૂધ મંડળીને તાળા મારી બંધ કરી દેવાઈ હતી.
સભાસદોએ બે વર્ષથી ઓટોમેટીક મિલ્ક મશીન મંડળીમાં આવી ગયું હોવા છતા તેનો ઉપયોગ ન કરતા જૂનું મશીન વપરાશમાં લેતા દુધના ફેટ ઓછા આવે છે. પરિણામે દુધઉત્પાદકોને એક લીટરના દસથી વીસ રૂપિયાની મર્યાદામાં જ દૂધના ભાવ મળે છે.
દૂધના નાંણાને આધારે તેમનો જીવનનિર્વાહ ચાલતો હોવાથી દૂધ ભરવા આવેલા સભાસદોએ હોબાળો મચાવતા ડેરીના મંત્રી સાથે ઉગ્ર બોલાચાલી કરી કરી હતી. દૂધમંડળી પર થયેલો ઝઘડો એક કલાકથી વધુ સમય ચાલ્યો હતો. તત્કાળ કોઈ નિર્ણય ન લેવાતા ભારે વિવાદ વચ્ચે દુધભરવા આવેલા સભાસદોએ દૂધ ન ભરતા પરત પોતાની સાથે લઈ ગયા હતા. જેથી ડેરીને તાળા મારી દેવાયા હતા.
સભાસદોએ અચોક્કસ મુદ્દત માટે દૂધ ભરવાનુ બંધ કરી દીધું છે. જ્યાં સુધી નવું મશીન ન મૂકાય ત્યાં સુધી દૂધ નહીં ભરવાનો તેમણે નિર્ણય પણ લીધો છે.