MLA CHAITAR VASAVA : MLA ચૈતર વસાવાનો આક્ષેપ: સરકાર આદિવાસીઓના હિતમાં ગફલત કરી રહી છે, 1500 કરોડ રૂપિયાની રકમ હજી સુધી ફાળવાઈ નથી
MLA CHAITAR VASAVA : ડેડીયાપાડાના આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ચૈતર વસાવાએ વિધાનસભામાં એક મહત્વપૂર્ણ મુદ્દો ઉઠાવ્યો છે. તેમણે આરોપ લગાવ્યો કે ગુજરાત સરકારને આદિવાસી સમુદાયના વિકાસમાં કોઈ રસ નથી.
ચૈતર વસાવાએ જણાવ્યું કે, “મારે વિધાનસભામાં સવાલ કર્યો હતો, પરંતુ આદિજાતિ વિકાસ મંત્રીએ સ્પષ્ટ જવાબ આપવા બદલે ગોળ-ગોળ બોલીને વાત ટાળી દીધી.”
તેમણે જણાવ્યું કે 2024-25 માટે આદિજાતિ વિકાસ વિભાગને 4,373.96 કરોડ રૂપિયાની મંજૂરી આપવામાં આવી હતી. પરંતુ અત્યાર સુધી ફક્ત 2,879.81 કરોડ રૂપિયાની જ ફાળવણી કરવામાં આવી છે, બાકીના 1,500 કરોડ હજુ સુધી ફાળવાયા નથી.
આદિવાસી વિસ્તારોમાં સહાય પેમેન્ટમાં ગોટાળો?
ચૈતર વસાવાએ આક્ષેપ કર્યો કે આદિવાસી વિસ્તારોમાં શાળાઓ, આરોગ્ય સુવિધાઓ, પીવાના પાણી જેવી અતિઆવશ્યક સેવાઓની તંગી છે. છતાં સરકાર માર્ચ મહિનો પૂરો થવા આવ્યો છે, પણ ફાળવણીની પ્રક્રિયામાં ગફલત કરી રહી છે.
તેમણે વધુમાં જણાવ્યું કે ફાળવાયેલા 2,879.81 કરોડ રૂપિયામાંથી 902.40 કરોડ રૂપિયા વપરાયેલા જ નથી. તેમણે આ મુદ્દે સરકારની નિષ્ક્રિયતા પર સવાલો ઉઠાવ્યા.
યોજનાઓને અવગણવામાં આવી રહી છે
ચૈતર વસાવાના મતે, પ્રધાનમંત્રી આદર્શ ગ્રામ યોજના, ગુજરાત પેટર્ન, મુખ્યમંત્રી ઉત્કર્ષ યોજના જેવી યોજનાઓ સરકારની ગફલતના કારણે અસરકારક રીતે અમલમાં આવી નથી. તેમણે આરોપ લગાવ્યો કે પ્રભારી મંત્રીઓ અને એનજીઓ મળીને ગ્રાન્ટનો ગેરઉપયોગ કરી રહ્યા છે.
કૌભાંડની શક્યતા
તેમણે કહ્યું કે છેલ્લા પાંચ વર્ષમાં જો એનજીઓ અને એજન્સીઓની તપાસ થાય, તો 2,200-2,500 કરોડ રૂપિયાનું કૌભાંડ બહાર આવી શકે. નર્મદા જિલ્લામાં ફાળવાયેલા 68 કરોડમાંથી 50 કરોડ રૂપિયાનો ઉપયોગ પ્રભારી મંત્રીઓ અને એનજીઓ દ્વારા ગેરકાયદેસર રીતે કરાયો હોવાનું ચૈતર વસાવાનું માનવું છે.
તેમણે સરકાર પાસે બાકી રહેલા 1,500 કરોડ રૂપિયાની તાત્કાલિક ફાળવણી અને પ્રભારી મંત્રીઓ પર કાર્યવાહી કરવાની માંગણી કરી છે.