MNREGA scam Bharuch Hira jotva arrest: 200 કરોડના ઘોટાળાની તપાસ તેજ, પૂર્વ કોંગ્રેસ ઉમેદવાર પોલીસ ઝડપમાં
MNREGA scam Bharuch Hira jotva arrest: મનરેગાના કથિત કૌભાંડ મામલે ભરૂચ પોલીસ મોટી કાર્યવાહી કરી છે. આ કેસમાં પોલીસે પૂર્વ કોંગ્રેસ ઉમેદવાર હીરા જોટવાને ગીર સોમનાથથી ધરપકડ કરી છે. હીરા જોટવાની અટકાયત બાદ પોલીસ હવે પૂછપરછની કાર્યવાહી આગળ ધપાવી રહી છે. મનરેગા કૌભાંડમાં તેમનું નામ લાંબા સમયથી ચર્ચામાં હતું અને હવે તેઓ અધિકૃત રીતે તપાસના દાયરામાં આવી ચૂક્યા છે.
ભૂતપૂર્વ લોકસભા ઉમેદવાર રહી ચૂકેલા હીરા જોટવાને અગાઉ જૂનાગઢ બેઠક પરથી ચૂંટણી લડી હતી. તેમનું નામ કૌભાંડમાં આવતાં પોલીસ અગાઉથી સક્રિય બની ગઈ હતી. હીરાની અટકાયત બાદ પોલીસે ગંભીર રીતે પૂછપરછ શરૂ કરી છે અને અનુમાન છે કે તપાસમાં કેટલાક ચોંકાવનારા ખુલાસાઓ થઈ શકે છે.
અગાઉ પણ પોલીસ દ્વારા આ કૌભાંડ સંબંધિત અન્ય વ્યક્તિઓની અટકાયત થઈ હતી અને કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. કોંગ્રેસના નેતા અમિત ચાવડાએ આ કેસમાં અનેક ગંભીર આક્ષેપો કર્યા હતા. ચાવડાએ દાવો કર્યો હતો કે જાંબુઘોડા વિસ્તારમાં ચાર એજન્સીઓએ ચાર વર્ષમાં 200 કરોડના કામ દર્શાવ્યાં, પરંતુ જમીન પર તેવું કોઈ કામ કરાયું જ નથી. તેમણે કહ્યું કે, માત્ર બે મજૂરો દ્વારા બે દિવસમાં કૂવો ખોદી નાખ્યો હોવાનું ડોક્યુમેન્ટેશનમાં દર્શાવાયું છે.
ચાવડાએ વધુમાં આક્ષેપ કર્યો હતો કે મજૂરોને તેમના હકનાં 60% મજૂરીભથ્થામાંથી માત્ર 22% જ ચૂકવવામાં આવ્યું, જ્યારે બાકીની રકમ મટીરિયલ ખર્ચ તરીકે દર્શાવવામાં આવી. રાજ્યના મંત્રી બચુ ખાબડ પણ આ મામલામાં નિશાન પર આવ્યા છે. ચાવડાએ જણાવ્યું કે, ખાબડના ગામ અને આસપાસની જમીન પર લેવલિંગ અને વનીકરણનું કામ કરવામાં આવ્યું છે અને તેમાં તેમનો અને તેમના પરિવારજનોના નામે જમીન નોંધાવાની દસ્તાવેજી પુરાવાઓ પણ છે. ચાવડા મુજબ આ માહિતી સરકારે જ પોતાની વેબસાઈટ પર જાહેર કરી છે.
હવે જોવાનું એ રહેશે કે હીરા જોટવા સહિત અન્ય આરોપીઓની પૂછપરછમાં કેટલા નવા ફેક્ટ્સ બહાર આવે છે અને મનરેગા કૌભાંડના મૂળ સુધી તપાસ પહોંચે છે કે કેમ.