બંગાળની ખાડીમાં સર્જાયેલા લો પ્રેશરના કારણે હજુ પણ રાજ્યમાં આગામી 24 કલાક સાર્વત્રિક વરસાદની આગાહી આપવામાં આવી છે. રાજ્યમાં અત્યાર સુધી 110 ટકા કરતાં પણ વધુ વરસાદ વરસ્યો છે. રાજ્યમાં તંત્ર દ્વારા માછીમારોને દરિયો ન ખેડવા સુચના આપવામાં આવી છે.
ગુજરાતમાં આ વર્ષે મેઘરાજા મન મૂકીને વરસ્યા છે અને અત્યારસુધી 37.05 ઈંચ સાથે મોસમનો 113.26% વરસાદ નોંધાઇ ચૂક્યો છે. જેમાં કચ્છમાં 39.21 ઈંચ સાથે મોસમનો 241.73%, દક્ષિણ ગુજરાતમાં 56.53 ઈંચ સાથે મોસમનો 99.24% વરસાદ નોંધાઇ ચૂક્યો છે. હવામાન વિભાગે હજુ આગામી બે દિવસ દરમિયાન અનેક જિલ્લાઓમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરી છે.
14 જિલ્લાઓમાં 100 ટકાથી વધુ વરસાદ
ગુજરાતના 14 જિલ્લાઓ એવા છે જ્યાં 100%થી વધુ વરસાદ નોંધાઇ ચૂક્યો છે. જેમાં કચ્છ-આણંદ-સુરેન્દ્રનગર-રાજકોટ-મોરબી-જામનગર-દેવભૂમિ દ્વારકા-પોરબંદર-બોટાદ-અમરેલી-ગીર સોમનાથ-જૂનાગઢ-ભરૂચ-સુરતનો સમાવેશ થાય છે.
સિઝન દરમિયાન 9.84 ઈંચથી ઓછો વરસાદ નોંધાયો હોય તેવા એકપણ તાલુકા નથી. આ સિવાય 29 તાલુકામાં 9.88 ઈંચથી 19.68 ઈંચ, 140 તાલુકામાં 19.72 ઈંચથી 39.37 ઈંચ જ્યારે 82 તાલુકામાં 19.72 ઈંચથી વધુ વરસાદ નોંધાયેલો છે. જિલ્લા પ્રમાણે જોવામાં આવે તો દેવભૂમિ દ્વારકામાં સૌથી વધુ 75.47 ઈંચ, સુરતમાં 72.59 ઈંચ વરસાદ નોંધાઇ ચૂક્યો છે.
ઝોન પ્રમાણે પૂર્વ મધ્ય ગુજરાતમાં 26.77 ઈંચ સાથે સૌથી ઓછો 83% વરસાદ છે. જેમાં અમદાવાદ જિલ્લામાંથી 23.34 ઈંચ સાથે 84.86% વરસાદ નોંધાયેલો છે. સૌરાષ્ટ્રના 10 જિલ્લાઓમાં 100%થી વધુ વરસાદ છે. એકમાત્ર ભાવનગર એવો જિલ્લો છે જ્યાં હાલ 94.08% વરસાદ નોંધાયો છે. ગુજરાતમાં સિઝનનો 100%થી વધુ વરસાદ નોંધાયો હોય તેવું સતત બીજા વર્ષે બન્યું છે.
હજુ આગામી બે દિવસ વરસાદનું પ્રભુત્વ રહે તેની પૂરી સંભાવના છે. હવામાન વિભાગે જણાવ્યંર છે કે, ‘પશ્ચિમ મધ્ય પ્રદેશ અને સંલગ્ન પૂર્વ રાજસ્થાનમાં લો પ્રેશર સર્જાયું છે. જેના પગલે આગામી બે દિવસ દરમિયાન ગુજરાતના અનેક જિલ્લાઓમાં ભારેથી અતિભારે વરસાદ પડી શકે છે. આવતીકાલે જ્યાં અતિભારે વરસાદ પડી શકે છે તેમાં બનાસકાંઠા, સાબરકાંઠા, ગાંધીનગર, અરવલ્લી, અમદાવાદ, વડોદરા, સુરત, નવસારી, જામનગર, દ્વારકા, રાજકોટ, જૂનાગઢ, મોરબી, કચ્છનો સમાવેશ થાય છે.’ જોકે, આગામી બે દિવસ બાદ વરસાદનું જોર ઘટવા લાગશે. હાલની સિૃથતિ પ્રમાણે ગુજરાતમાંથી 15 સપ્ટેમ્બરની આસપાસ ચોમાસું સત્તાવાર રીતે વિદાય લે તેની સંભાવના છે.
આગામી બે દિવસ કયા જિલ્લામાં ભારેથી અતિભારે વરસાદની આગાહી?
31 ઓગસ્ટ : બનાસકાંઠા, સાબરકાંઠા, ગાંધીનગર, અરવલ્લી, અમદાવાદ, પંચમહાલ, દાહોદ, મહીસાગર, વડોદરા, છોટા ઉદેપુર, નર્મદા, ભરૂચ, વલસાડ, દમણ, સુરત, નવસારી, જામનગર, દ્વારકા, રાજકોટ, જૂનાગઢ, મોરબી, કચ્છ.
1 સપ્ટેમ્બર : બનાસકાંઠા, પાટણ,મહેસાણા, સાબરકાંઠા, ગાંધીનગર, અમદાવાદ, કચ્છ, આણંદ, સુરત, નવસારી, વલસાડ, દમણ, સુરેન્દ્રનગર, મોરબી,રાજકોટ, જામનગર, પોરબંદર, જૂનાગઢ, દ્વારકા, ગીર સોમનાથ.