અમદાવાદ: કોરોના કાળમાં લોકોની સેવા માટે તમામ લોકો આગળ આવી રહ્યા છે ત્યારે કથાકાર મોરારિબાપુ પણ કોરોના દર્દીઓના વ્હારે આવ્યા છે. મોરારિબાપુએ દર્દીઓની સારવાર માટે એક કરોડ રૂપિયાની સહાય આપવાની જાહેરાત કરી હતી. સમગ્ર ભારત કોવિડ-19ની ઘાતક લહેરની સામે ઝઝુમી રહ્યું છે તથા દરેક રાજ્યોની સરકારો, એનજીઓ, સેવાભાવી સંસ્થાઓ અને પ્રત્યેક વ્યક્તિ પોતાનાથી બનતા તમામ પ્રયાસો કરીને કોરોના સામેની લડાઇને બળ આપી રહ્યાં છે.
હાલ દેશભરમાં ઓક્સિજન, ઇન્જેક્શન, દવાઓ સહિતની ગંભીર સમસ્યાઓ સર્જાઇ છે ત્યારે કથાકાર મોરારિબાપૂએ અમરેલી જિલ્લાના રાજૂલા, ભાવનગર, સાવરકૂંડલા, મહૂવા અને તળાજા તાલુકામાં સેવાકીય પ્રવૃત્તિઓ માટે રૂ. 1 કરોડની સહાય કરવાની મહત્વપૂર્ણ જાહેરાત કરી છે. હાલની વિકટ પરિસ્થિતિનો સામનો કરવા તથા કોરોનાગ્રસ્ત દર્દીઓને ત્વરિત સારવાર મળી રહે તે ઉદ્દેશ્ય સાથે મોરારિબાપૂએ તલગાજરડા ચિત્રકૂટ ધામ હનુમાનજીના પ્રસાદીરૂપે – તુલસીપત્ર રૂપે રૂ. 5 લાખનો ચેક સેવામાં મૂકવાની જાહેરાત કરી છે.
વધુમાં સાવરકુંડલા, મહૂવા, તળાજા, રાજૂલા અને ભાવનગરમાં દર્દીઓની સેવા માટે રૂ. 25-25 લાખ એમ કરીને કુલ રૂ. 1 કરોડની સહાય રાશિ જાહેર કરવામાં આવી છે. આ પ્રસંગે બાપૂએ જણાવ્યું હતું કે, વ્યાસપીઠ પ્રત્યે લોકોને અપાર શ્રદ્ધા અને ભરોસો છે ત્યારે હાલની વિષમ પરિસ્થિતિમાં મને વિશ્વાસ છે કે આપણે સૌ સાથે મળીને સહાય રાશિ દ્વારા સેવાકીય પ્રવૃત્તિઓને આગળ ધપાવી શકીશું.
એકત્ર થયેલી રકમ દરેક જિલ્લા-તાલુકાના પ્રામાણિક અને જાગૃત વ્યક્તિઓને સોંપવામાં આવશે તથા સેવાભાવી ડોક્ટર સાથે નિર્મિત કમીટી દ્વારા તેનો રાહતકાર્યો માટે ઉપયોગ કરવામાં આવશે.
આ પહેલા મહૂવામાં ચેમ્બર ઓફ કોમર્સ દ્વારા ઉભી કરાયેલી કોવિડ હોસ્પિટલની વ્યવસ્થા પ્રત્યે પૂજ્ય બાપૂએ ખુશી અને સંતોષની લાગણી વ્યક્ત કરી હતી. તેમણે ઉમેર્યું હતું કે, મેં ઘણીવાર કહ્યું છે કે કથા માત્ર વચનાત્મક ન રહે, રચનાત્મક થવી જોઇએ. હું કોઇને અપીલ નથી કરતો, પરંતુ સહાય રાશિથી મારા અંતરાત્માની બળતરા શાંત થશે.