મોરબીઃ અત્યારના સમયમાં આત્મહત્યાઓના કિસ્સાઓ રોજે રોજ બનતા રહે છે. ત્યારે મોરબીના હળવદમાં પણ એક યુવતીએ આપઘાત કર્યો છે. યુવતીએ આપઘાત કરતા પહેલા સુસાઈડ નોટ લખી હતી. જેના આધારે પોલીસે ચાર લોકો સામે યુવતીને આપઘાત માટે મજબૂર કરવાનો ગુનો નોંધ્યો છે. આ અંગે પોલીસે વધુ તપાસ હાથધરી છે. મંગેતરે અનેક વખત શરીરસંબંધ બાંધ્યા બાદ સગાઈ તોડવાની ધમકી આપતા યુવતીએ આપઘાત કર્યો હોવાનું પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું હતું.
મળતી માહિતી પ્રમાણે યુવતીના પિતાએ નોંધાવેલી ફરિયાદ પ્રમાણે, મનસુખભાઈ નરસિંહભાઈ દલવાડીની દીકરી અંકિતાની સગાઈ કલ્પેશ રવજીભાઈ કણજારીયા નામના રણજીતગઢ ગામના યુવાન સાથે થઇ હતી. ત્યારબાદ કલ્પેશ રવજીભાઈને તેના પિતા રવજીભાઈ મનજીભાઈ કણજારીયા અને માતા કંચનબેન રવજીભાઈ તેમજ વેગડવાવ ગામે રહેતા મુકેશ ગોરધનભાઈએ સગાઈ તોડી નાખવા માટે કહ્યું હતું.
દરમિયાન અંકિતાની જેની સાથે સગાઈ કરવામાં આવી હતી તે કલ્પેશે અંકિતાને લગ્ન કરવાનું કહીને અવાર નવાર શરીર સંબંધ બાંધ્યા હતા. એટલે યુવતીની સગાઈ તૂટી જાય તો સમાજમાં બદનામી થશે. તેવા ભયના કારણે યુવતીએ પોતાના ઘરની અંદર ગળાફાંસો ખાઈને આપઘાત કર્યો હતો.
યુવતીએ સ્યૂસાઇટ નોટ પણ લખેલી છે, જેને પોલીસે કબ્જે લીધી છે અને મૃતક યુવતીના પિતાએ હાલમાં હળવદ પોલીસ સ્ટેશનમાં તેની દીકરીને મરવા માટે મજબૂર કરવા માટે યુવક, તેના સાસુ, સસરા સહિત ચાર સામે ફરિયાદ નોંધાવતાં હળવદ પોલીસ દ્વારા આરોપીઓને ઝડપી પાડવા ચક્રો ગતિમાન કર્યા છે.
મોરબીમાં થોડા દિવસ પહેલા પણ આવી અન્ય ઘટના સામે આવી હતી. જેમા સીટી બી ડિવિઝન પોલીસ મથકે ભોગ બનનાર સગીરાના પિતાએ ફરિયાદ નોંધાવી હતી. જેમાં જણાવાયું હતું કે, આરોપી વિજય તેજા અગેચણિયાએ સગીરાને એકટીવા શીખડાવવનું કહીને માળિયા મિયાણા ખાતે લઈ ગયો હતો અને ડાડો મિયાણાના ઘરે લઇ જઈ સગીરા સાથે દુષ્કર્મ આચર્યું હતું. મોડી રાત્રે સગીરાને સારવાર અર્થે પ્રથમ મોરબી સિવિલ બાદમાં રાજકોટ ખસેડવા અને મેડિકલ રિપોર્ટ મેળવવા મોડી રાત્રીના જ કવાયત હાથ ધરાઈ હતી.