મોરબીઃ વાવાઝોડા અને જીવલેણ કોરોનાંના કારણે ખેડૂતોને પડ્યા પર પાટુ જેવો ઘાટ જોવા મળી રહ્યો છે અનેક ખેડૂતોના તૈયાર પાકો પર પણ ટાઉતે વાવાઝોડાના લીધે પાણી ફરી વળ્યાં છે ત્યારે જગતના તાતની હાલત દિવસેને દિવસે અત્યંત દયનિય બનતી જાય છે તો અમુક ખેડૂતો આ મુસીબતોનો સામનો કરતા કરતા થાકીને અંતે જીવન ટૂંકાવી લે છે ત્યારે મોરબીના હળવદ તાલુકાના અજીતગઢ ગામના ખેડુતે પણ આ જ રીતે સુસાઇડ નોટ લખીને જે પાણીથી તેના જીવન ને જીવન દાન મળે છે તેમાજ જળ સમાધિ લઈને મોતને વ્હાલું કરી લીધું છે.
જેમાં મોરબી જીલ્લા ના હળવદના અજીતગઢ ગામના ખેડૂતે હૃદયદ્રાવક વેદના સાથે ત્રણ પાનાની સ્યુસાઇડ નોટ લખી કેનાલમાં ઝંપલાવી આપઘાત કર્યો હોવાનો બનાવ સામે આવ્યો છે. મળતી વિગતો અનુસાર અજીતગઢ ગામે રહેતા રમેશભાઈ પ્રભુભાઈ લોરીયા નામનાં ખેડૂતે નર્મદા કેનાલમા ઝંપલાવી આત્મહત્યા કરી છે.
ખેડૂતે આર્થિક ભીંસથી કંટાળી અંતિમ પગલું ભર્યું હોવાનું સામે આવ્યું છે. ખેડુત પાસે ખેતી કરવા માટે પૈસા ન હોય આર્થિક ભીંસને કારણે ખેડૂતે નર્મદા કેનાલમાં ઝંપલાવી આત્મહત્યા કરી હતી. ખેડૂત પાસે દવા લેવાના પણ પૈસા ન રહ્યા હોય હે અલખધણી મારા છોકરાવની લાજ રાખજે કહી ખેડૂતે મોત વ્હાલું કર્યું હતું. સ્યુસાઇડ નોટ મળી આવી છે જો કે આ સુસાઇડ નોટ તેના પરિવાર માટે ખેડૂતના જીવનું કારણ બતાવવા માટે કાફી હતી હાલ હળવદ પોલીસે આ સુસાઇડ નોટ કબ્જે કરો ખેડૂતનાં મૃતદેહને હળવદ સરકારી હોસ્પિટલ ખાતે ખસેડી હળવદ પોલીસ દ્વારા આગળની વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.
ખેડૂતે લખ્યું, ‘હે અલખધણી મારા જેવું દુ:ખ કોઈને ન દેતો, કાકા મને માફ કરજો, તમને નીરાધાર મૂકીને હું હાલી ગયો તમે બધાયને હિમ્મત આપજો. બા મને માફ મકરજો હું તમારો ગુનેગાનાર છુ, તમે મજૂરી કરીને મોટો કયરો પણ મેં તમને આવું દુખ દીધું. ઉત્સવ બધાયને બેટા હિમ્ત આપજે બધાયનું ધ્યાન રાખજે. મોટા ભાઈ કીષાનું ધ્યાન રાખજો. ભાભી મારી દીકરી કીષાને લાડકોડથી રાખજો
નેન્સી બેટા મને માફ કરજે હું તને ન ભણાવી શક્યો બેટા મને માફ કરજે, સના મને માફ કરજે મારી દીકરી હું તને ન ભણાવી શક્યો. કનીર હુ તને ભૂલી શકુ એમ નથી દીકરા તારા કોડ મે પુરા ન કર્યા, તારૂં અને મારૂં આટલું જ લેણું હતું. હે ઈશ્વર જીવતા મારી પ્રાર્થના નથી સાંભળી પણ મરતા મરતા પ્રાર્થના કરું છું મારા દીકરાની લાજ રાખજે… હે ઈશ્વર, હે પ્રભુ મારી આટલી પ્રાર્થના સાંભળજે આ આની ફાયટું એનું થીગડું તું જ મારી શકીશ. હે અલખધણી મારા દીકરાની લાજ રાખજે….
ખેતીમાં નુકસાનીનો સામનો હવે મારાથી નથી થતો, મારી પાસે ખેતીના રૂપિયા પણ નહોતા. ખાવાના ફાફા હતા, દવાખાને જાવાના પૈસા નહોતા એટલે મે આ પગલું ભર્યુ છે. હવે હું જીવું તો માનસિક ટેન્શન વધી જતું હતું. એટલે આ પગલું ભર્યુ છે. અલખ ધણી તમારી લાજ રાખો.