ગાંધીનગરમાં ચાલી રહેલા પોલીસ ઇન્સ્પેક્ટરની પ્રેક્ટિકલ પરીક્ષામાં આ વર્ષે મહિલા ઉમેદવારોની સંખ્યા વધી શકે છે. કારણ કે, 2018માં 100 મહિલા ઉમેદવાર દીઠ 25 મહિલા ઉમેદવારોએ પ્રેક્ટિકલ પરીક્ષા પાસ કરી હતી, જ્યારે કે વર્ષ 2019માં 100માંથી 45 મહિલા ઉમેદવારો પ્રેક્ટિકલમાં ઉત્તીર્ણ થઈ હતી. પ્રેક્ટિકલ પરીક્ષામાં મહિલાઓને 9 મિનિટમાં 1600 મીટર દોડવાનું હોય છે. આવનારા સમયમાં પીઆઇની પ્રેક્ટિકલ પરીક્ષાનું પરિણામ જાહેર કરવામાં આવશે. જીપીએસસીના સૂત્રોના જણાવ્યા પ્રમાણે, પીઆઇની લેખિત પરીક્ષામાં પાસ થયેલા 2300 કરતા વધુ ઉમેદવારોની પ્રેક્ટિકલ પરીક્ષા ગાંધીનગરમાં સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ઇન્ડિયાના ગ્રાઉન્ડમાં લેવામાં આવી હતી. પ્રેક્ટિકલ પરીક્ષામાં 100 ઉમેદવારોના જૂથને દોડાવવામાં આવે છે. આ પહેલા જીપીએસસીએ જાન્યુઆરીમાં જ વર્ષ દરમિયાન થનારી ભરતી અને પ્રેક્ટિકલની પરીક્ષાની તારીખો જાહેર કરી હતી. આથી ઉમેદવારોએ આ તારીખોને આધારે તૈયારી શરૂ કરી હતી. ચોક્કસ તારીખ નક્કી હોવાથી ઉમેદવારો લેખિત અને પ્રેક્ટિકલ પરીક્ષાના ટાર્ગેટ સાથે જ તૈયારી કરી હતી. જેના કારણે ઉમેદવારોને સફળતા મળવાની તક વધારે છે. વર્ષ 2018માં 100 મહિલા ઉમેદવાર દીઠ 25 મહિલા તેમ જ 2019માં 100માંથી 45 મહિલા ઉમેદવારો પ્રેક્ટિકલ પરીક્ષામાં ઉત્તીર્ણ થઈ હતી. આ પરીક્ષામાં 9 મિનિટમાં 1600 મીટર દોડવાનું હોય છે.
ઉમેદવારોના લોહીના નમૂના ચેકિંગ માટે મોકલાયા
પીઆઇની પ્રેક્ટિકલ પરીક્ષા આપનારા 1 હજાર જેટલા ઉમેદવારોના લોહીના નમૂના મેડિકલ ચેકિંગ માટે મોકલાયા છે. ઉમેદવારોના લોહીના નમૂના પ્રમાણે પ્રેક્ટિકલ દરમિયાન ઉમેદવારો કોઇ ઉત્તેજક દ્રવ્યો કે કેફીન પદાર્થ લીધો છે કે નહીં તેની ચકાસણી કરાશે. જો કોઇ ઉમેદવારોના લોહીના નમૂનામાંથી આ પ્રકારના દ્રવ્યોની હાજરી રહેશે તો તેમના પર કાર્યવાહી કરાશે.
ઉમેદવારોનો રિપોર્ટ જીપીએસસીને અપાશે
પ્રેક્ટિકલ પરીક્ષામાં ઘણા ઉમેદવારોને ઊંચાઇની સમસ્યા હતી. તેથી જે ઉમેદવારોને ઊંચાઇ મુદ્દે રજૂઆત હતી તે તમામનો નિર્ણય મેડિકલ બોર્ડના રિપોર્ટના આધારે કરાશે. મેડિકલ બોર્ડ ઉમેદવારોને નક્કી કરેલા દિવસે બોલાવશે અને ઉમેદવારોની લંબાઇ મુદ્દે પોતાનો રિપોર્ટ સીધો જ જીપીએસસીને આપશે.