Mumbai-Ahmedabad Bullet Train: ભારતની પહેલી બુલેટ ટ્રેન હવે નજીક, મહત્વપૂર્ણ તબક્કો પૂર્ણ
Mumbai-Ahmedabad Bullet Train: ભારતની પહેલી બુલેટ ટ્રેન હવે હકીકત બનવાની દિશામાં દોડતી થઈ છે. મુંબઈ અને અમદાવાદને જોડતો હાઈસ્પીડ રેલવે કોરિડોર ઝડપથી આકાર લઈ રહ્યો છે. પ્રોજેક્ટના સૌથી મોટી તકનીકી પડકારમાંથી એક એવા 300 કિ.મી. લાંબા વાયડક્ટનો નિર્માણ કાર્ય સફળતાપૂર્વક પૂર્ણ થયું છે.
આ મહત્વપૂર્ણ સિદ્ધિ ગુજરાતના સુરત નજીક 40 મીટર લાંબા ફુલ-સ્પાન બોક્સ ગર્ડર લોંચિંગ સાથે નોંધાઈ છે. કુલ 300 કિ.મી. સુપરસ્ટ્રક્ચરમાંથી મોટાભાગનો ભાગ એટલે કે 257.4 કિ.મી. ફુલ સ્પાન લોન્ચિંગ પદ્ધતિ (FSLM) દ્વારા પૂર્ણ કરાયો છે. ઉપરાંત, 14 નદીઓ પરના પુલો, 37.8 કિ.મી. સ્પાન બાય સ્પાન પદ્ધતિ (SBS), 0.9 કિ.મી.ના સ્ટીલ બ્રિજ (જેમાં 60થી 130 મીટર સુધીના 10 સ્પાન સમાવેશ પામે છે), 1.2 કિ.મી.ના પીએસસી બ્રિજ (40થી 80 મીટરના 20 સ્પાન) અને 2.7 કિ.મી. લાંબા સ્ટેશન બિલ્ડિંગનો પણ સમાવેશ થાય છે.
શ્રેષ્ઠ ઇજનેરીનો ઉપયોગ
FSLM પદ્ધતિથી 6455 સ્પાન અને SBS પદ્ધતિથી 925 સ્પાન – બન્ને માટે 40 મીટર લાંબી ગર્ડરોનો ઉપયોગ કરાયો છે. ધ્વનિ પ્રદૂષણ ઘટાડવા માટે વાયડક્ટની બન્ને બાજુએ 3 લાખથી વધુ નોઈઝ બેરિયર સ્થાપિત કરાયા છે. અત્યાર સુધી પ્રોજેક્ટ માટે 383 કિ.મી. પિયર, 401 કિ.મી. ફાઉન્ડેશન અને 326 કિ.મી. ગર્ડર કાસ્ટિંગ પૂર્ણ થઈ ચુક્યું છે.
દેશી ટેક્નોલોજીનો દમ
આ બુલેટ ટ્રેન પ્રોજેક્ટમાં પ્રથમ વખત ભારતીય રીતે ડિઝાઇન થયેલા અને બનાવાયેલા સાધનોનો ઉપયોગ કરાયો છે – જેમ કે સ્ટ્રેડલ કેરિયર્સ, ગેન્ટ્રીઝ અને ગર્ડર ટ્રાન્સપોર્ટર્સ. સમગ્ર પ્રોજેક્ટ જાપાન સરકારના ટેક્નિકલ સહયોગ અને ટ્રેનિંગના આધારે આગળ વધ્યો છે, જે ભારતની હાઈ-સ્પીડ રેલ ટેક્નોલોજીમાં વધતી ક્ષમતા દર્શાવે છે.
બાંધકામમાં ઝડપી ગતિ
ફુલ-સ્પાન પદ્ધતિ પરંપરાગત પદ્ધતિ કરતા દસગણી વધુ ઝડપે બાંધકામ કરવામાં મદદરૂપ રહી છે. દરેક ફુલ-સ્પાન બોક્સ ગર્ડરનું વજન લગભગ 970 મેટ્રિક ટન છે. જ્યાં આવું ઇન્સ્ટોલેશન શક્ય નહોતું, ત્યાં સેગમેન્ટલ પદ્ધતિ અપનાવવામાં આવી છે.
રાષ્ટ્રીય એકતાનું પ્રતિબિંબ
આ મહાપ્રોજેક્ટ માટે 27 કાસ્ટિંગ યાર્ડ ઉભા કરવામાં આવ્યા છે. જ્યારે સ્ટીલ બ્રિજના ઘટકો દેશના વિવિધ રાજ્યમાં આવેલી સાત વર્કશોપમાં બનેલા છે – જેમાં ત્રણ ગુજરાતમાં, અને અન્ય યુપી, તમિલનાડુ, મહારાષ્ટ્ર તથા પશ્ચિમ બંગાળમાં આવેલા છે. આ સમગ્ર યથાવત સહયોગ દેશની વૈવિધ્યસભર એકતાનું જીવંત ઉદાહરણ છે.
આધુનિક સુવિધાવાળા સ્ટેશનો
બુલેટ ટ્રેનના સ્ટેશનો પણ ઝડપથી તૈયાર થઈ રહ્યા છે. મુસાફરો માટે આધુનિક સુવિધાઓ સાથે સ્ટેશનોને રેલ અને રોડ ટ્રાન્સપોર્ટથી ઈન્ટિગ્રેટ કરવામાં આવશે. ગુજરાતમાં 157 કિ.મી. આર.સી. ટ્રેકબેડનું બાંધકામ પૂર્ણ થઈ ગયું છે, અને ટ્રેકના ઇન્સ્ટોલેશનની શરૂઆત થઈ ચૂકી છે.
વિશિષ્ટ ડિપો અને મેક ઇન ઇન્ડિયા
મહારાષ્ટ્ર અને ગુજરાતમાં રોલિંગ સ્ટોક ડિપો તૈયાર કરવામાં આવી રહ્યા છે…આખો પ્રોજેક્ટ “મેક ઇન ઇન્ડિયા” અભિયાનને પૂરતું સમર્થન આપતો અને વૈશ્વિક સ્તરનું ઈન્ફ્રાસ્ટ્રક્ચર ઊભું કરતી દિશામાં મજબૂત પગલાં ભરે છે.