Mumbai-Ahmedabad Expressway : મુંબઈ-અમદાવાદ એક્સપ્રેસ-વે: ભરૂચથી નવસારી સુધીનો રૂટ જૂનમાં થશે કાર્યરત, મુસાફરી હવે વધુ ઝડપી બનશે
Mumbai-Ahmedabad Expressway : મહારાષ્ટ્ર, મુંબઈ અને દક્ષિણ ગુજરાતના પ્રવાસીઓ માટે એક રાહતના સમાચાર છે. લાંબા સમયથી રાહ જોવાઈ રહેલા મુંબઈ-અમદાવાદ એક્સપ્રેસ-વેના ભરૂચથી નવસારીના ગણદેવા સુધીના રૂટનું નિર્માણ છેલ્લી તબક્કામાં છે અને જૂન 2025ના અંત સુધીમાં તે કાર્યરત થવાની શક્યતા છે.
મુસાફરીમાં થશે ઘટાડો, ટ્રાફિક જામમાંથી રાહત
આ નવા એક્સપ્રેસ-વેના કાર્યરત થવાથી મુસાફરી ઝડપભરી અને અનુકૂળ બનશે. હાલમાં સુરતથી ભરૂચ સુધી પહોંચવામાં જેટલો સમય લાગે છે, તેટલો જ સમય ભરૂચથી અમદાવાદ પહોંચવામાં પણ લાગે છે. પરંતુ આ હાઈવે શરૂ થયા બાદ સુરતથી અમદાવાદનું અંતર માત્ર 3.30 થી 3.45 કલાકમાં પૂરું કરી શકાય તેવી શક્યતા છે. આ નવી સુવિધાને લીધે દક્ષિણ ગુજરાતના વાહનચાલકોને ચોમાસામાં થતા ભારે ટ્રાફિક જામથી પણ મોટી રાહત મળશે.
ભરૂચથી એના ગામ સુધી 95% કામ પૂરું
એક્સપ્રેસ-વેના પેકેજ-5, પેકેજ-6 અને પેકેજ-7ની કામગીરી લગભગ પૂર્ણ થઈ ગઈ છે.
ભરૂચથી એના ગામ સુધીના 61.5 કિલોમીટર હાઈવેનું 95% કામ હવે પૂર્ણ થવાની નજીક છે.
અંકલેશ્વરથી કીમ વચ્ચે થોડું કામ બાકી છે, જ્યારે કીમથી એના ગામ સુધીનો માર્ગ સંપૂર્ણપણે તૈયાર છે.
તાપી નદી પરનો બ્રિજ અને રેલવે ઓવરબ્રિજનું ફિનિશિંગ વર્ક હજુ ચાલુ છે.
ગણદેવા સુધીનું કામ જૂનમાં પૂરું થશે
એના ગામથી નવસારીના ગણદેવા સુધીના 27.50 કિલોમીટરના રૂટનું 92% કામ પૂર્ણ થઈ ગયું છે અને બાકીનું કામ જૂન 2025 સુધીમાં પૂરુ થઈ જશે.
અંકલેશ્વરથી કીમ (પેકેજ-5) – 77% કામ પૂર્ણ
કીમથી એના ગામ (પેકેજ-6) – 98.50% કામ પૂર્ણ
એના ગામથી ગણદેવા (પેકેજ-7) – 92% કામ પૂર્ણ
હવે ફક્ત 2 કિલોમીટરનું કામ બાકી
એના ગામથી ગણદેવા સુધીના હાઈવે પેકેજ-7ની કુલ લંબાઈ 27.50 કિલોમીટર છે, જેમાંથી 25 કિલોમીટરનો રસ્તો તૈયાર છે. હવે માત્ર 2 કિલોમીટરનો રસ્તો બાકી છે, જે જૂન 2025 સુધીમાં પૂરો થઈ જશે. આ પેકેજની આંદાજિત કિંમત 3180 કરોડ રૂપિયા છે અને તેની કામગીરી IRB Infrastructure Developers દ્વારા કરવામાં આવી રહી છે.
ઉદ્યોગને પણ મળશે પ્રોત્સાહન
આ એક્સપ્રેસ-વે માત્ર મુસાફરી માટે જ નહીં, પણ દક્ષિણ ગુજરાતના વિકાસ માટે પણ મહત્વપૂર્ણ છે. નવા માર્ગ દ્વારા અંકલેશ્વર, સુરત, તાપી, નવસારી અને વલસાડ જિલ્લાના લોકો માટે પ્રવાસ સરળ બનશે. વાહન વ્યવહાર ઝડપી બનવાથી ઉદ્યોગ અને વેપાર માટે પણ નવી તકો ઊભી થશે, જે આ વિસ્તારના અર્થતંત્રને વેગ આપશે.
દક્ષિણ ગુજરાત માટે ચોમાસા પહેલા મોટી ભેટ
આ એક્સપ્રેસ-વે 2025ના ચોમાસા પહેલા કાર્યરત થવાની આશા છે. ટ્રાફિક જામ અને લાંબી મુસાફરીની સમસ્યાઓમાંથી મુક્તિ મેળવવા માટે આ હાઈવે એક મોટી રાહત સાબિત થશે.