Navsari: નવસારી જિલ્લા પંચાયત માર્ગ અને મકાન વિભાગનાં ગણદેવી પેટા વિભાગ હસ્તક થયેલા કરોડો રૂપિયાનાં કામમાં બેદરકારી, ભ્રષ્ટાચાર અને મોટા પ્રમાણમાં ખાયકીની શંકા વર્તાઈ રહી છે. માર્ગ મકાન વિભાગમાં જે પ્રકારે વહીવટ ચાલી રહ્યો છે તેને લઈને હાલના કાર્યપાલક ઈજનરેની સામે આક્ષેપોની ભરમાર જોવા મળી રહી છે પરંતુ ઉચ્ચ અધિકારીઓનું પેટનું પાણી પણ હાલતું નથી.
આ અંગે મળેલી માહિતી મુજબ ગણદેવી તાલુકામાં ઉંડાચ આંતલિયા વાઘલધરા સહિત 20 ગામોને જોડતા પુલનું ખાતમુહૂર્ત ગુજરાતના તત્કાલિન મુખ્યમંત્રી આનંદીબેન પટેલના હસ્તે કરવામાં આવ્યું હતું. માત્રમ પંચાયત વિભાગ હસ્તક બનેલા પુલનાં કામમાં ભારે ભરખમ ખાયકીની ફરિયાદોનો ખડકલો થઈ ગયો છે.
પુલના નિર્માણામાં ભ્રષ્ટાચાર થયો હોવાની પોલ ત્યારે ખુલી
જ્યારે પુલ બનવાના ફક્ત 8 વર્ષ બાદ 14 જુલાઈ 2022 નાં રોજ ઉપરવાસમાં ભારે વરસાદ ખાબક્યો અને કાવેરી નદીમાં પુર આવતા પુલનાં દક્ષિણ ભાગે આવેલા પિલ્લર બેસી ગયા અને ફક્ત આઠ વર્ષમાં પુલ બેસી જવાની ઘટના બની હતી. પંચાયત માત્રમ વિભાગમાં ભ્રષ્ટાચારનું પ્રમાણ હોવાની ચર્ચાએ જોર પકડયું હતું.
હાલમાં પણ ઉંડાચ તાલુકા અને આજુબાજુના ગામના લોકો કાવેરી નદીના જુના પુલનો જ ઉપયોગ કરી રહ્યા છે કારણ કે જર્જરિત પુલની ઊંચાઈ પણ ઓછી હોવાથી ભારે વરસાદનાં કારણે પુલ પાણીમાં ગરકાવ થઈ જાય છે જેથી શાળા કોલેજ અને આઈટીઆઈનાં વિદ્યાર્થીઓ તથા અપડાઉન કરતા લોકો બલવાડા થઇ બીલીમોરા જવા માટે 20 કિલોમીટરનો ચક્કર કાપી રહ્યા છે જેના કારણે લોકો આર્થિક અને શારીરિક તકલીફોનો સામનો કરવાનો વારો આવ્યો છે. લોકોની હાલત કફોડી બની જવા પામી છે.
ઉંડાચ ગામે પુલનાં પિલ્લર બેસી જવાની ઘટનાને આશરે બે વર્ષનો સમય વીતી ગયો હોવા છતાં લોકોની હાલાકી દુર કરવાની જગ્યાએ પંચાયત અને માર્ગ અને મકાન વિભાગ કોન્ટ્રાકટરો સાથે ટકાવારીની રમત રમી બોગસ બિલો પાસ કરી પોતાના ખિસ્સા ભરવામાં રચ્યા પચ્યા રહેતા હોવાની ચર્ચા ચાલી રહી છે અને પુલનાં રિનોવેશનનું કામ ગોકળગાય ગતિએ ચલાવવામાં આવી રહ્યુ છે અને આ વર્ષે પણ ચોમાસા પહેલા લોકોની સમસ્યા નો નિવારણ આવે તેવા અણસાર મળી રહ્યા નથી.
હાલમાં લોકસભા ચૂંટણી પહેલાં ઉંડાચ બલવાડા અને વાઘલધરા ગામનાં લોકોએ “પુલ નહીં તો મત નહીં”
નાં સૂત્ર સાથે ચુંટણીનો બહિષ્કાર કર્યો ત્યારે તંત્ર દોડતું થયું હતું અને ભોળી પ્રજાને ફરી એકવાર નેતાઓ એ મુર્ખ બનાવી મત પડાવી લીધા હોવાની ચર્ચા ચાલી રહી છે. ઉંડાચ ગામે આવેલe પુલનાં રિનોવેશનના કામ માટે મંજૂર થયેલા આશરે 4.50 કરોડ રૂપિયાનાં ટેન્ડર મુજબ 1/10/2023 નાં રોજ શરૂ થયેલું કામ 31/3/2024 નાં રોજ પુરું થવું જોઈતું હતું છતાં પુલનું કામ પુરૂં કરવામાં આવ્યું નથી.
જિલ્લા પંચાયત માત્રમ વિભાગના કાર્યપાલક ઇજનેર એનએન પટેલે બચાવ કરતાં કહ્યું કે
પુલના નિર્માણના સ્થળે પાઈલિંગ કરવામાં આવ્યું તો સોઈલિંગ મળી આવી ન હતી એટલે પાઈલિંગ ફેલ થઈ ગયું છે. હવે બ્રોડ પાઈલિંગ કરવામાં આવશે અને ખર્ચ પણ વધી જવાનું કહી રહ્યા છે.
એનએન પટેલની વાત માનીએ તો પાઈલિંગ માટે પહેલાંથી જ આગોતરું આયોજન કેમ કરવામાં આવ્યું નહીં. 2023ના 10મા મહિેનાથી કામ ચાલી રહ્યું છે તો આટલા લાંબા સમય બાદ એનએન પટેલને જ્ઞાન આવ્યું કે પાઈલિંગ અને સોઈલિંગ ફેલ થઈ ગયું છે. લગભગ આઠ મહિનાના સમયગાળા દરમિયાન આ કાર્યપાલક ઈજનરે એનએન પટેલ પાઈલિંગ-સોઈલિંગના નામે શું ખેલ કરી રહ્યા હતા તે હવે લોકોને સમજાઈ રહ્યું છે. સમગ્ર હકીકત જોતાં સોઈલિંગ અને પાઈલિંગના નામે એનએન પટેલની મેલી મથરાવટી કામ કરી રહી હોવાની વાત સદંતર નકારી શકાતી નથી. અત્યંત બેફિકરાઈથી સવાલોના જવાબ આપી રહેલા એનએન પટેલને લોકોના જીવ સાથે ચેડાં અને ક્રુર રમત રમવાના પરવાનો કોણે આપી દીધો તેવો પ્રશ્ન પણ હવે પૂછાઈ રહ્યો છે.
માહિતી મુજબ પુલના નિર્માણમાં હલકી કક્ષાનું કામ કરતા કોન્ટ્રાકટરો પોતાની મનમાની ચલાવી મંજૂર થયેલા
ટેન્ડરની શરતોનો પણ ખુલ્લેઆમ ભંગ કરી રહ્યા છે. કોન્ટ્રાક્ટરો સાથે કાર્યપાલક ઈજનેર એનએન પટેલનું સીધે સીઘું મેળાપીપણું હોવાના આક્ષેપો કરવામાં આવી રહ્યા છે. હવે આ એનએન પટેલ ટેન્ડની મુદ્દત અને પુલના રિનોવેશન માટે વધારાના રુપિયાની સરકાર ફાળવણી કરે તેના માટે દોડાદોડી કરી રહ્યા છે.
આ અંગે ગણદેવી માત્રમ પેટા વિભાગનાં નાયબ કાર્યપાલક ઇજનેર કેતન પટેલ સાથે વાતચીત કરતા તેમણે જણાવ્યું છે કે જમીન નીચે કેવા પથ્થર નીકળે છે તે પહેલાંથી ખબર હોતી નથી. ડિઝાઇન બદલવી પડે તેવી સ્થિતિ સર્જાઈ છે અને ફાઈલ ફાઉન્ડેશનનું કામ હજી ચાલી રહ્યું છે ત્યારે સવાલ એ ઉભા થયા છે કે જ્યારે નવા પુલનું નિર્માણ કાર્ય થયું ત્યારે જમીનની પરિસ્થિતિ જોવામાં આવી હતી કે નહીં?? પુલના નિર્માણ પહેલાં અને પાયા ખોદતા પહેલા સોઈલીંગની ચકાસણી કરવામાં આવે છે. કેતન પટેલ પણ દોદળો બચાવ કરી રહ્યા છે અને તેમની ભૂમિકા પણ એનએન પટેલની જેમ સમગ્ર પ્રકરણમાં શંકાસ્પદ બની રહી છે. જો હજી પણ જમીનની પરિસ્થિતિ જોવામાં સમય લાગી રહ્યો છે તો છેલ્લા 6 મહિનાથી શું કામગીરી કરવામાં આવી રહી હતી? જમીનના નામે કાર્યપાલક ઈજનેર અને નાયબ કાર્યપાલક ઈજનેરના જવાબોથી સ્પષ્ટ થઈ રહ્યું છે કે દાળમાં કાળું નથી પણ આખીય દાળને જ કાળી કરી દેવામાં આવી છે.
જાણકારોનાં કહેવા મુજબ કરોડો રૂપિયાનાં ખર્ચે ચાલી રહેલા પુલનાં કામમાં પણ મોટાપ્રમાણમાં ભ્રષ્ટાચાર ચાલી રહ્યું છે કે શું?
ધીમી ગતિએ ચાલી રહેલા કામની ઉચ્ચ સ્તરેથી તપાસ કરવામાં આવે તો સત્ય હકીકત બહાર આવી શકે તેમ છે. જવાબદાર અધિકારીઓની વાત મુજબ તો અનુમાન લગાવી શકાય કે વધુ એક વર્ષ સુધી પુલનાં રિનોવેશનનું કામ પુરૂ નહીં થઈ શકે. પંચાયત અને માર્ગ-મકાન વિભાગનાં જવાબદાર અધિકારીઓ અને કોન્ટ્રાકટરો વધારે પડતા વાંધા વચકાઓ કાઢી પુલનાં કામ માટે વધારે પૈસા મંજૂર કરાવવાની ફિરાકમાં હોવાનું ચર્ચાઈ રહ્યું છે.