NEET Scam : NEETમાં 650+ માર્ક્સ માટે રૂપિયા 1 કરોડની ડીલ, ગુજરાતમાંથી મોટા કૌભાંડનો ખુલાસો
NEET Scam : NEET પરીક્ષામાં ધારિત કરતાં વધુ માર્ક્સ અપાવવાના આક્ષેપો વચ્ચે શહેરના કોચિંગ સંસ્થાના ચેરમેન રાજેશ પેથાણીની ધરપકડ બાદ આજે ક્રાઇમ બ્રાંચે તેમને પાંચ દિવસના પોલીસ રિમાન્ડ માટે કોર્ટમાં રજૂ કરતાં મંજૂરી મળી છે. આ સમગ્ર કેસમાં બેલગાંવના મનજીત જૈનની પણ શોધખોળ શરૂ કરાઈ છે, જે મહત્વનો કડી તરીકે સામે આવ્યો છે.
માહિતી અનુસાર, પેથાણી રાજકોટમાં આવેલી ‘રોયલ એકેડેમી’ના ચેરમેન છે અને છેલ્લા બે વર્ષથી તેમની ટીમ પર NEET પરીક્ષામાં માર્ગદર્શનમાં નહીં પણ માર્ક્સ વધારવા માટે વિધાર્થી અને વાલીઓને લલચાવવાનો ગંભીર આરોપ છે. તપાસ દરમ્યાન ક્રાઇમ બ્રાંચે ખુલાસો કર્યો છે કે આ ટોળકી વિદ્યાર્થીઓને NEETમાં 650થી વધુ માર્ક્સ અપાવવા માટે 75 લાખથી 1 કરોડ રૂપિયા સુધીની માંગ કરતી હતી.
NEET, જે રાષ્ટ્રીય સ્તરે વાર્ષિક લેવાતી મેડિકલ પ્રવેશ પરીક્ષા છે, તેમાં આ પ્રકારના છેડછાડના પ્રયાસો ગંભીરતા પૂર્વક લેવાયા છે. ગુજરતમાં અત્યાર સુધીમાં 8 વિદ્યાર્થીઓ આ કૌભાંડમાં સંદિગ્ધ તરીકે સામે આવ્યા છે. ક્રાઇમ બ્રાંચે જણાવ્યું કે એક વાલી સાથે થયેલી હોટેલમાં ડીલની વિગતો મળતા સમગ્ર ષડયંત્રનો પર્દાફાશ થયો છે.
હજુ સુધી મળેલ માહિતી મુજબ, 85 વિદ્યાર્થીઓને 650થી વધુ માર્ક્સ અપાવવા માટે ખાતરી આપવામાં આવી હતી. હાલ, સમગ્ર મામલે વધુ પુછપરછ અને શંકાસ્પદ સંપર્કોની ઓળખ માટે તપાસ તેજ કરાઈ છે.
પોલીસના સૂત્રોએ સંકેત આપ્યો છે કે ટોળકીના વચેટીયાઓએ રાજકોટના વાલીઓને અમદાવાદ બોલાવી ડીલ ફાઇનલ કરવાની કોશિશ કરી હતી. હવે તપાસ એ દિશામાં પણ આગળ વધારવામાં આવી રહી છે કે શી રીતે પરીક્ષાના સિસ્ટમમાં દખલ આપવામાં આવી હતી અને કઈ રીતે માર્ક્સમાં ફેરફાર શક્ય બન્યો.