Nitin Patel Revelation On X : દલાલો મુદ્દે નીતિન પટેલનો ખુલાસો: ‘અંગત સ્વાર્થ સાધનારા દરેક સરકારમાં હોય’
મારી ટિપ્પણી દરેક જમીન દલાલ પર લાગુ થતી નથી, પરંતુ એવા લોકો માટે છે જે પક્ષના હોદ્દા અને નામનો દુરુપયોગ કરી પોતાના સ્વાર્થ માટે કાર્યો કરાવે
ઘણી વખત આ પ્રકારના લોકો રાજકારણમાં પ્રવેશી કરોડપતિ બની ગયા છે, અને હવે પોતાના ધંધાને ભગવાન અને ઉમિયા માતાની કૃપા તરીકે ગણાવી રહ્યા
કડી, મંગળવાર
Nitin Patel Revelation On X : કડી તાલુકાના ડરણ ગામમાં આવેલા શ્રી દામોદર જીવરામ પટેલ નૂતન વિદ્યાલયના અમૃત મહોત્સવ અને નવા મકાનના લોકાર્પણ સમારોહ દરમિયાન, ગુજરાતના પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે રાજકારણમાં પ્રવેશેલા દલાલો અંગે ગંભીર નિવેદન આપ્યું હતું. આ નિવેદનથી ત્યાંના રાજકીય વાતાવરણમાં ગરમી આવી ગઈ હતી. X પર એના સ્પષ્ટીકરણમાં, નીતિન પટેલે જણાવ્યું કે, “મારી ટિપ્પણી દરેક જમીન દલાલ પર લાગુ થતી નથી, પરંતુ એવા લોકો માટે છે જે પક્ષના હોદ્દા અને નામનો દુરુપયોગ કરી પોતાના સ્વાર્થ માટે કાર્યો કરાવે છે. આવી વ્યક્તિઓ અગાઉની કોંગ્રેસ સરકારમાં પણ હતી.”
પૂર્વ નાયબ મુખ્યમંત્રીએ વધુમાં કહ્યું કે, “મારા નિવેદનમાં કોઈપણ પ્રકારના સામાન્ય દલાલનો ઉલ્લેખ નહોતો. પરંતુ, જે લોકો રાજકારણમાં પદો પર રહીને પાર્ટીના નામનો ઉપયોગ કરીને અધિકારીઓને પ્રભાવિત કરે છે, તે એવા લોકો માટે છે.”
પ્રોગ્રામમાં નીતિન પટેલે વધુમાં જણાવ્યું કે, “હું ઓળખું છું કે, પહેલાં કલાકો સુધી મોટરસાઇકલ પર ફરતા અને પાનના ગલ્લા પર બેસતા આ દલાલો હવે રાજકારણમાં પ્રવેશી ગયા છે. તેઓ પદવીઓનો ઉપયોગ કરી અધિકારીઓ સાથે સંબંધો બનાવીને પોતાના સ્વાર્થ માટે કામ કરાવે છે.”
આ નિવેદનથી રાજકીય ગૂંચવણ વધી ગઈ છે. નીતિન પટેલે તેમનાં નિવેદનને વધુ સ્પષ્ટ કરતાં કહ્યું કે, “ઘણી વખત આ પ્રકારના લોકો રાજકારણમાં પ્રવેશી કરોડપતિ બની ગયા છે, અને હવે પોતાના ધંધાને ભગવાન અને ઉમિયા માતાની કૃપા તરીકે ગણાવી રહ્યા છે.”
આ નિવેદન રાજકીય વિસ્તારોમાં ચર્ચાનો વિષય બની ગયો છે.