રાજ્યના હવામાન વિભાગે 1 અને 2 ડિસેમ્બરે પવન સાથે માવઠાની આગાહી કરી છે. જેની અસર આજે વહેલી સવારથી સુરત, અમદાવાદ, વડોદરા, પંચમહાલ અને ઉત્તર ગુજરાતમાં દેખાઈ રહી છે. અમદાવાદ શહેરના પૂર્વ અને પશ્ચિમ વિસ્તારમાં વહેલી સવારે 6 વાગ્યેથી ધીમી ધારે વરસાદી ઝાપટા પડ્યા હતા.
અમદાવાદ સહિત વહેલી સવારે ઉત્તર ગુજરાત, સુરત, વડોદરા, પંચમહાલ સહિતના જિલ્લાઓમાં પણ કમોસમી વરસાદ પડ્યો હતો. સુરતમાં મંગળવારે પણ દિવસભર વાદળછાયું વાતાવરણ રહ્યા બાદ મોડી રાત્રે અનેક વિસ્તારોમાં સામાન્ય વરસાદ વરસ્યો હતો.
સૌરાષ્ટ્રમાં પણ મંગળવારે બપોર બાદ અનેક જગ્યાએ ઝાપટા પડ્યા હતા. ઊના અને ગીરગઢડા પંથકનાં કેટલાક વિસ્તારોમાં માવઠા થયા છે. માવઠાઓથી શિયાળુ પાક ઉપરાંત આંબાનાં બગીચાઓમાં વ્યાપક નુકશાનની આશંકાઓ દર્શાવવામાં આવી રહી છે.