ગુજરાતમાં વિધાનસભાની ચુંટણીઓ આવવાની તૈયારી છે, સત્તાધારી ભાજપ અને કોંગ્રેસ પોતાની તૈયારીઓમાં લાગી ચૂકી છે, ત્યારે આ વખતે ગુજરાતની જનતા સામે ત્રીજો વિકલ્પ બનવા માટે આવી રહેલી આમ આદમી પાર્ટી પણ મોટાપાયે ચુંટણીઓમાં જંપલાવશેે તેવું દેખાઈ રહ્યું છે.
થોડા સમય પહેલા કોંગ્રેસનો ગઢ ગણાતા પંજાબમાં જંગી બહુમતીથી પરાસ્ત કર્યા બાદ આમ આદમી પાર્ટીનું મનોબળ ખૂબ ઊંચું છે અને હવે ગુજરાતમા આમ આદમી પાર્ટીના દેખા દેવાથી કયા રાજકીય સમીકરણો બદલાશે તે જોવું રહેશે.
આપ પાર્ટીએ ફેબ્રુઆરી 2021માં રાજ્યની સ્થાનિક મહાનગરપાલિકાઓની ચુંટણીથી ગુજરાતમાં એન્ટ્રી કરી હતી, જેમાં સૌથી વધારે ફાયદો દક્ષિણ ગુજરાતમાં સુરત કોર્પોરેશનમાં 27 બેઠકો જીતીને થયેલો, સુરત કોર્પોરેશનની ચુંટણીમાં સૌપ્રથમ ઉતરેલી આપને કુલ 28% મતદાન મળેલું, જ્યારે કોંગ્રેસને 18% મતદાન થયેલું.
આ ઉપરાંત રાજકોટ કોર્પોરેશનમાં 17% અને ગાંધીનગર કોર્પોરેશનમાં 21% મતો મળેલાં.
આપ પાર્ટીને થયેલા ઉપર પ્રમાણેના મતદાનની ટકાવારી પરથી આશ્ચર્યજનક ખ્યાલ આવશે કે આપ પાર્ટી ચોખ્ખી રીતે કોંગ્રેસના મતો કાપીને આગળ આવી રહી છે,જ્યારે સામા પક્ષે ભાજપને કોઈ ફેર પડ્યો નથી.
મહાનગરપાલિકાની આ ચુંટણીઓમાં ગુજરાતમાં પ્રવેશ માટેનો આપ પાર્ટીનો આ એક નાનો પ્રયાસ હતો, ત્યાંથી શરૂઆત કરીને આમ આદમી પાર્ટી રાજ્યમાં આવી રહેલી વિધાનસભાની ચુંટણીઓની તૈયારી કરી રહી હતી.
હવે વિચારીયે… જો સ્થાનિક ચુંટણીઓમાં આપ પાર્ટીના આવવાથી કોંગ્રેસને આટલો મોટો ફટકાર મળ્યો છે, તો આગામી વિધાનસભાની ચૂંટણીઓમાં આમ આદમી પાર્ટી કોંગ્રેસને ક્યાં મૂકી આવશે.
આમ આદમી પાર્ટીની તૈયારીઓને જોતાં તેઓ રાજ્યની દરેક 182 બેઠકો પર પોતાના ઉમેદવારોને ઉતારશે તેવું દેખાઈ રહ્યું છે,
એક પછી એક જાહેર સભાઓ, કાર્યક્રમો, રેલી અને યાત્રાઓનો દોર શરૂ થઈ ચૂક્યો છે, સામે ભાજપ પણ તેટલી જ ગતિથી આગળ વધી રહી છે…. અને કોંગ્રેસ….. તો કોંગ્રેસની સ્થિતિ, તૈયારી અને રણનીતિ પોતાનામાં જ ગૂંચવાયેલી હોય તેવું દેખાઈ રહ્યું છે…. ત્યારે આમ આદમી પાર્ટીની આ પ્રકારની સક્રિયતા સત્તાધારી ભાજપના નહિ પરંતુ કોંગ્રેસને ખૂબ મોટો ફટકાર આપે તો નવાઈ નહિ હોય.