હવે રાજ્ય સરકારે દીપડાનું ખસીકરણ કરવાનું વિચાર્યું છે. આ મામલે કેન્દ્ર સરકાર સાથે પરામર્શ કરી નિયમ અનુસાર દિપડાની વસતીના નિયંત્રણ માટે દીપડાના ખસીકરણનો અમલ કરવામાં આવશે.
ઉત્તરાખંડ, કર્ણાટક અને મધ્યપ્રદેશ બાદ ગુજરાતમાં સૌથી વધુ દીપડા
ગાંધીનગરમાં મુખ્યમંત્રી વિજય રૂપાણીના અધ્યક્ષસ્થાને ગુરુવારે મળેલી સ્ટેટ વાઇલ્ડ લાઇફ બોર્ડની ૧૮મી બેઠકમાં આ નિર્ણય લેવાયો છે. એક અંદાજ મુજબ ગુજરાતમાં દીપડાની કુલ વસતી 2,500 કરતા વધુ હોય તેવી સંભાવના છે. આથી હવે દીપડાની વસ્તી પર નિયંત્રણ કરવું ખૂબ જરૂરી બન્યું છે. માનવ વસ્તીની આસપાસ રહેતા દીપડાઓનો રંજાડ રોકવા હવે પકડાયેલા દીપડાને રેડિયો કોલર આઇડી લગાવીને જંગલ વિસ્તારમાં છોડવામાં આવશે, જેથી દીપડાઓની હિલચાલ પર વનવિભાગની નજર રહી શકે. ઉત્તરાખંડ, કર્ણાટક અને મધ્યપ્રદેશ બાદ ગુજરાતમાં સૌથી વધુ દીપડાની વસતી હોવાનું ભારતમાં નોંધાયું છે. 2006માં ગુજરાતમાં દીપડાની સંખ્યા 1000 આસપાસ હતી જે 2017માં 1400ની આસપાસ હતી.
દીપડાના હુમલામાં 14 લોકોનાં મોત થયાં
ગુજરાતમાં સતત વધતી વસ્તીને કારણે નર દીપડા માનવવસ્તીમાં આવી જાય છે. 2016-17ના વર્ષમાં રાજ્યમાં 334 દીપડા માનવવસ્તીમાંથી પકડાયાં હતાં જે આંકડો 2017-18માં 451નો થયો હતો. આ ઉપરાંત ગુજરાતમાં 14 લોકોના જીવ દીપડાએ કરેલાં હુમલાને કારણે ગયો હોવાનું નોંધાયું છે તો સામે 100થી વધુ દીપડાઓનો શિકાર થઇ ગયો હોવાનું પણ કેટલાક આંકડા નોંધે છે.
હજુ લેપર્ડ સફારી પ્રોજેક્ટ અધ્ધરતાલ
ગાંધીનગરના સચિવાલય સુધી દીપડો ઘૂસી આવ્યા પછી રાજ્યમાં ત્રણ વિસ્તારો, સૌરાષ્ટ્ર, ઉત્તર ગુજરાત અને દક્ષિણ ગુજરાતમાં દીપડાઓને કાયમી વસવાટ મળી રહે તે માટે સફારી વિકસાવવાનો નિર્ણય કર્યો હતો, પરંતુ આ મુદ્દે વાઇલ્ડ લાઇફ બોર્ડની બેઠકમાં ચર્ચા થઇ ન હતી.