Online Temple Darshan Scam Dwarka: 32 ધાર્મિક સ્થળો માટે VIP દર્શનનો દાવો કરતી ‘હરિ ઓમ’ એપ વિવાદમાં
Online Temple Darshan Scam Dwarka: દેશભરના શ્રદ્ધાળુઓને VIP દર્શન આપવાનું વચન આપતી એક એન્ડ્રોઈડ એપ્લિકેશન “હરિ ઓમ” હવે એક વિવાદાસ્પદ નામ બની ગઈ છે. આ એપ દેશના 32 મંદિરો માટે વ્યક્તિદીઠ વિશેષ દરે VIP દર્શનની સુવિધા પૂરી પાડતી હોવાનો દાવો કરે છે – જેમાં દ્વારકા માટે ₹800 અને બેટ દ્વારકા માટે ₹501 ચાર્જ વસૂલવામાં આવતો હતો.
મંદિર વહીવટીતંત્રને કોઈ જાણ નહિ હોવાના ખુલાસાથી ઊભી થઈ આશંકા
દ્વારકાધીશ મંદિરના ટ્રસ્ટી મંડળને કે બેટ દ્વારકાના વહીવટીતંત્રને આ એપ્લિકેશન વિશે કોઈ જાણકારી નહોતી. આથી એ સ્પષ્ટ છે કે આ સમગ્ર વ્યવહાર તંત્રની પરવાનગી વિના અને સંપૂર્ણપણે અનધિકૃત રીતે ચાલતો હતો.
સાવચેત નાગરિકના ઓડિયો કોલથી કૌભાંડ બહાર આવ્યું
દ્વારકાના રહેવાસી ધનવંત વાયડાએ આ એપના હેલ્પલાઈન નંબર પર ફોન કરી ઓફિશિયલ પુષ્ટિ મેળવી હતી કે VIP દર્શન માટે વ્યક્તિદીઠ ₹800 લેવામાં આવે છે. આ કોલનો ઓડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થતાં સમગ્ર મામલો પ્રકાશમાં આવ્યો. ઓડિયોમાં એપ પ્રતિનિધિ દર્શન પહેલાં આધાર કાર્ડ અપલોડ કરવાનું કહે છે અને એક વ્યક્તિ દ્વારા સંપર્ક થવાની વાત કરે છે.
વિવાદ બાદ દ્વારકાનું નામ લીસ્ટમાંથી હટાવી દીધું
જેમજ વિવાદ ચરમસીમાએ પહોંચ્યો, તેમજ ‘હરિ ઓમ’ એપ્લિકેશન અને વેબસાઈટમાંથી દ્વારકાનું નામ દૂર કરી દેવામાં આવ્યું છે. જોકે બેટ દ્વારકા હજુ યાદીમાં છે, પરંતુ બુકિંગ પ્રક્રિયા હાલ સ્થગિત કરી દેવામાં આવી છે. આ પણ એ અવૈધ પ્રવૃત્તિ પર વધુ શંકા ઊભી કરે છે.
સરકારી તપાસ અને કાયદેસર પગલાની માંગ ઉઠી
આમ, ધાર્મિક શ્રદ્ધાનો દુરુપયોગ કરીને ઓનલાઈન પ્લેટફોર્મ દ્વારા લોકો પાસેથી ઊંચા રકમની વસૂલાત કરવી એ ગંભીર છેતરપિંડી છે. લોકો માંગ કરી રહ્યા છે કે “હરિ ઓમ” જેવી એપ્લિકેશનોની પૂર્ણ તપાસ થાય અને આવા કોઈ પણ શોષણપ્રેરિત માધ્યમો પર કાયદેસર કાર્યવાહી થાય. આ સાથે, જેને પણ રકમ ચુકવવામાં આવી હોય તેને પરત મળે તે માટે પણ વ્યાપક કાર્યવાહી થવી જોઈએ.