Operation Sindoor : તણાવ વચ્ચે ગુજરાત સરકાર સજ્જ, 10 મહત્વના નિર્ણયો અને પગલાં
Operation Sindoor : ભારત અને પાકિસ્તાન વચ્ચે વધતા તણાવના પગલે ગુજરાત સરકાર દ્વારા રાજ્યભરમાં કડક સાવચેતીના પગલાં લેવામાં આવ્યા છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સાથે ટેલિફોન પર વાતચીત કરી અને હાલની પરિસ્થિતિની વિસ્તૃત માહિતી મેળવી. તેની પૃષ્ઠભૂમિમાં રાજ્ય સરકાર અને વહીવટી તંત્રે નોકરીયાત કર્મચારીઓથી લઈ સુરક્ષા વ્યવસ્થા સુધી ઘણા મહત્વના નિર્ણય લીધા છે.
1. તમામ સરકારી કર્મચારીઓની રજા રદ
શિક્ષણ, આરોગ્ય, પોલીસ અને મહેસૂલ વિભાગના તમામ કર્મચારીઓની રજાઓ તાત્કાલિક અસરથી રદ કરવામાં આવી છે. સરહદી જિલ્લાઓના શિક્ષકોને હેડક્વાર્ટર છોડવાની મંજૂરી આપવામાં આવી નથી અને તેમને તાત્કાલિક હાજરી માટે સૂચવાયું છે.
2. દરિયાકાંઠા વિસ્તારોમાં સુરક્ષા વધારાઈ
ગુજરાત પાસે ભારતનો સૌથી મોટો દરિયાકાંઠો હોવાથી પોરબંદર, દ્વારકા અને અન્ય દરિયાઈ વિસ્તારોમાં સુરક્ષા વ્યવસ્થાઓ વધુ મજબૂત બનાવવામાં આવી છે. માછીમાર સમાજને તાત્કાલિક બંદરે પરત ફરવા સૂચના આપવામાં આવી છે.
3. ફટાકડા અને ડ્રોન પર પ્રતિબંધ
15 મે સુધી રાજ્યભરમાં ફટાકડા ફોડવા અને ડ્રોન ઉડાવવાની મનાઈ ફરમાવવામાં આવી છે. કોઈ પણ વ્યક્તિ જો આ નિયમોનો ભંગ કરશે તો કડક કાયદેસર કાર્યવાહી કરવામાં આવશે.
4. સ્ટેટ ઈમરજન્સી ઓપરેશન સેન્ટર (SEOC) મજબૂત બનાવાયું
SEOC ખાતે ત્રણ વધુ ક્લાસ-1 અધિકારીઓની નિમણૂક કરવામાં આવી છે. અત્યારસુધીના ત્રણ IAS અધિકારીઓ સાથે મળીને કુલ છ અધિકારીઓ હવે રાજ્યકક્ષાએ સ્થિતિ પર નજર રાખી રહ્યા છે.
5. તમામ જિલ્લા તંત્ર એલર્ટ પર
સુરતથી બનાસકાંઠા સુધીના દરેક જિલ્લામાં કંટ્રોલ રૂમ સક્રિય કરવામાં આવ્યા છે. તંત્રને ઈમરજન્સી માટે સતર્ક રહેવા અને લોકોમાં ભય ન ફેલાય તેનું સુનિશ્ચિત કરવા સૂચના આપવામાં આવી છે.
6. સોશિયલ મીડિયાની દેખરેખ કડક
અફવાઓ અને ખોટા વીડિયો સામે કાર્યવાહી માટે રાજ્ય પોલીસ અને ઇલેક્ટ્રોનિક સર્વેલન્સ ટીમો એલર્ટ થઇ ગઈ છે. કોઈ ખોટી પોસ્ટ કે દેશવિરોધી માહિતી માટે જવાબદાર વ્યક્તિ સામે કાયદેસર પગલાં લેવાશે.
7. દ્વારકાધીશ મંદિર માટે ખાસ સુરક્ષા
દ્વારકાધીશ મંદિર આસપાસ દરિયાઈ વિસ્તારમાં મરીન કમાન્ડો સહિતની સખત સુરક્ષા વ્યવસ્થા ગોઠવાઈ છે. દ્વારકા શહેરમાં સુરક્ષા તહેનાત કરવામાં આવી છે.
8. આરોગ્ય વિભાગની તૈયારી
આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલે તમામ જિલ્લાઓના આરોગ્ય અધિકારીઓ સાથે બેઠક કરી છે. દરેક હોસ્પિટલમાં દવા, લોહી અને તબીબોની ઉપલબ્ધતા સુનિશ્ચિત કરવા સૂચના આપવામાં આવી છે.
9. ટ્રેનોમાં તપાસ અને સુરક્ષા ચકાસણી
રાજકોટ રેલવે સ્ટેશન અને અન્ય મુખ્ય સ્થળોએ ચેકિંગ શરૂ કરવામાં આવ્યું છે. ટ્રેનોમાં મુસાફરોના સામાનની પણ તપાસ ચાલુ છે.
10. દરિયાઈ પેટ્રોલિંગમાં વધારો
સુરત સહિતના દરિયાકાંઠા વિસ્તારોમાં બ્લેક કમાન્ડો અને મરીન કમાન્ડોની મદદથી સતત પેટ્રોલિંગ શરૂ કરાયું છે.
આ તમામ પગલાંઓ “ઓપરેશન સિંદૂર” અંતર્ગત લેવામાં આવી રહ્યા છે, જેના માધ્યમથી રાજ્ય સરકાર કોઈ પણ પ્રકારની પરિસ્થિતિને પહોંચી વળવા માટે તદ્દન સજ્જ રહેવા માગે છે.