Operation Sindoor India Pakistan tension 2025 : ઓપરેશન સિંદુર ચાલુ છે: વિજય રૂપાણીએ કહ્યું- હવે ખમીર બતાવવાનો સમય છે!
Operation Sindoor India Pakistan tension 2025 : ભારત તરફથી શરૂ થયેલા ઓપરેશન સિંદુર બાદ દેશભરમાં તણાવની સ્થિતિ છે અને આજે દેશ એક અનિશ્ચિત ભવિષ્ય તરફ જોય રહ્યો છે. આ સંજોગોમાં, ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીએ પણ તાત્કાલિક પ્રતિક્રિયા આપતા જણાવ્યું કે અત્યારે દેશને એકતાની ખૂબ જ જરૂર છે અને દરેક નાગરિકે દેશ માટે ખમીર દેખાડવું પડશે.
તેમણે જણાવ્યું કે, “હાલની પરિસ્થિતિ ગંભીર છે. જો પાકિસ્તાન તરફથી ઉશ્કેરણી કરવામાં આવે છે, તો આપણો દેશ જડબાતોડ જવાબ આપવા સંપૂર્ણ રીતે તૈયાર છે. ભારત સરકારે શરુ કરેલું ઓપરેશન સિંદુર હજુ ચાલું છે અને લશ્કર તથા કેન્દ્ર સરકારની દરરોજ બેઠકોથી લાગી રહ્યું છે કે આપણે યદ્ધ જેવી પરિસ્થિતિ માટે તૈયાર રહેવું જોઈએ.”
રૂપાણીએ લોકોને ચેતવ્યા કે આવતીકાલે શું થાય તે વિશે કોઇ આગાહી કરી શકાતી નથી. પરંતુ આપણે પૂરતી ચેતવણી રાખવી જોઈએ અને સેના તથા સરકારના સૂચનોનું પાલન કરવું જોઈએ. “કોઈ પ્રકારની અફવા કે ખોટા સમાચાર ફેલાવવાથી બચવું જોઈએ. આજે દેશના અહિતમાં કોઇ વાત ન થાય એ માટે દરેક નાગરિકે જવાબદારીપૂર્વક વર્તવું પડશે.”
દેશ પહેલું – મતભેદો પછી
રૂપાણીએ સ્પષ્ટ રીતે કહ્યું કે, “અત્યારે આપણાં અંદરના કોઈ પણ રાજકીય કે સામાજિક મતભેદ ભૂલી જઈને માત્ર ‘હિંદુસ્તાન સામે પાકિસ્તાન’ એટલું જ વિચારવું જોઈએ. દેશ માટે સેનાના જવાનો મથામણ કરે છે તો આપણે તેમનું મનોબળ ઊંચું રાખવાનું કામ કરી શકીએ.”
તેમણે બ્લેકઆઉટ જેવી તાત્કાલિક સુરક્ષા સૂચનાઓનું કડક પાલન કરવા પણ અપીલ કરી. “અફસોસની વાત છે કે કેટલાક રાષ્ટ્રવિરોધી તત્વો ખોટા સમાચાર ફેલાવીને અસ્તવ્યસ્તી લાવવા પ્રયાસ કરે છે. આવી પ્રવૃત્તિઓ સામે કડક વલણ લેવો જોઈએ.”
‘ખમીર બતાવવાનો સમય હવે આવ્યો છે’
રૂપાણીએ જણાવ્યું કે કચ્છ, પાટણ અને બનાસકાંઠા જેવા સરહદી વિસ્તારોમાં વિશેષ સતર્કતા રાખવી જોઈએ. “આ વિસ્તારોના લોકો ભૂતકાળમાં પણ દેશપ્રેમ અને શૌર્યમાં પાછળ નથી રહ્યા. ત્યારે જો આગાહી પ્રમાણે યુદ્ધના વાદળો ઘેરાય, તો આ વિસ્તારોનાં લોકો પોતાના ખમીર અને સંકલ્પશક્તિથી ફરી એકવાર દેશ માટે ઉભા રહી બતાવશે.”
‘ભારત વિજય’ એજ લક્ષ્ય હોવું જોઈએ
અંતે, રૂપાણીએ લોકોમાં દેશભક્તિનો ભાવ જાગ્રત કરતા ઉમેર્યું કે, “જો યુદ્ધ થાય તો આપણે ‘જય હિન્દ’ના નારા સાથે માત્ર ભારતની વિજય માટે લડીશું. પાકિસ્તાનની હરકતોના પરિણામો તેને ઘેરા પડશે અને આજનું નવું ભારત ક્યારેય પાછળ હટતું નથી.”
તેમણે પાકિસ્તાન દ્વારા આતંકીઓનો સહારો લેવા અંગે પણ ગંભીર આક્ષેપ કરતા કહ્યું કે, “આંતરરાષ્ટ્રીય સ્તરે પણ સાબિત થઈ ચૂક્યું છે કે પાકિસ્તાન આતંકને આશરો આપે છે. ત્યારે આપણા રાષ્ટ્ર માટે એકતાપૂર્વક ઊભા રહીને દરેક સંભવિત પડકારનો સામનો કરવાનો સમય હવે આવ્યો છે.”