યુ.એન. મહેતા હોસ્પિટલના ડાયરેક્ટરે પણ આ કહેવતને યથાર્થ ઠેરવી છે. મુખ્યમંત્રીને બપોરે મળનારા ધારાસભ્ય ઈમરાન ખેડાવાલાનો એ જ દિવસે સાંજે કોરોનાનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો તે પછી મુખ્યમંત્રી વિજય રુપાણીનાં અંગત ફિઝિશિયન અને U.N. મહેતા હાર્ટ હોસ્પિટલનાં ડીરેક્ટર ડો.આર.કે.પટેલે CMને તપાસી 7 દિવસ સુધી ક્વોરન્ટાઈન થવાની સલાહ આપી હતી પરંતુ હવે આર.કે.પટેલના અંગત મદદનીશ જૈવિક નૃપેશ પટેલનો કોરોના ટેસ્ટ 16 મી મેએ પોઝિટિવ આવ્યો હોવા છતાં આર.કે.પટેલ હજી સુધી ક્વોરન્ટાઈન થયા નથી.ઇમરાન ખેડાવાલા CM ને મળ્યા ત્યારે બન્ને વચ્ચે 2 મીટરથી પણ વધારે ખાસ્સું અંતર હતું અને એકબીજાના આવવા બહાર જવાના દરવાજા પણ અલગ હતાં. આનાથી વિપરીત પોતાના પીએ હોવાના નાતે આર. કે. પટેલ જૈવિનથી દિવસમાં ઓછામાં ઓછા 12 કલાક ઘણા નજીક રહ્યા હોય એ શક્ય છે.
હાલના નિયમ મુજબ જે દર્દીને કોરોનાના કોઇ લક્ષણો ન હોય તેને દાખલ કરવામાં આવતાં નથી, પણ જૈવિકનો ટેસ્ટ પોઝિટીવ આવ્યા પછી તેને યુ. એન. મહેતામાં દાખલ પણ કરવામાં આવ્યો છે. એનો અર્થ એ છે કે પટેલના પીએનો કોરોના ગંભીર હશે છતાં આર. કે. પટેલ ક્વોરન્ટાઇન થયા નથી, જે બાબત શંકા ઉપજાવે એવી છે. ડો. પટેલ કોવિડ સામે લડવા માટે સરકારે રચેલી કોર કમિટીના સભ્ય છે. આથી દર્દીના સંપર્કમાં આવ્યા હોય તો ક્વોરન્ટાઇન થવું પડે એ બાબત ડો. પટેલથી વધુ સારી રીતે કોઇ ન જાણતું ન હોય. આમ છતાં ડો. પટેલ પોતાના અંગત હિતો સાચવવા અને યુ. એન. મહેતા હોસ્પિટલના વહીવટ પરથી પોતાની પકડ જતી ન રહે તે માટે ફરજ બજાવે છે એવી ચર્ચા તબીબી આલમમાં જોરશોરથી થઇ રહી છે.