Pakistan connection arrest Dwarka : ફેસબુક અને વ્હોટ્સએપથી પાક. સંપર્ક! ભાણવડમાં બે શખ્સોની ધરપકડ
Pakistan connection arrest Dwarka : અમદાવાદમાં બાંગ્લાદેશી મહિલાની ધરપકડ બાદ એના પાકિસ્તાની જોડાણ સામે આવ્યાં હતાં, ત્યારે હવે દેવભૂમિ દ્વારકાના ભાણવડ તાલુકામાંથી બે શખ્સ – હુસૈન સુમાર હિંગોરા અને નૂરમામદ ઉમર હિંગોરાની ધરપકડ કરાઈ છે. બંને પર પાકિસ્તાનના નાગરિકો સાથે સોશ્યલ મીડિયા દ્વારા સંપર્કમાં રહેવાનો તથા ગામના યુવાનને ધમકી આપવાનો ગંભીર આરોપ છે.
યુદ્ધની રીલ્સ જોતા યુવાનને પાક વિરુદ્ધ ન બોલવા ધમકી
ભાણવડના ભેનકવડ ગામના રહેવાસી મુકેશ ખીંટ તેમના મોબાઇલમાં ભારત-પાકિસ્તાન યુદ્ધ સંબંધિત વિડિઓઝ જોઈ રહ્યા હતા ત્યારે ગામના અન્ય રહીશ નૂરમામદ ઉશ્કેરાઈ ગયો. તેણે પાકિસ્તાન વિરુદ્ધ કોઈ પણ પ્રકારની ટિપ્પણી ન કરવાનું કહીને મુકેશને ગાળો આપી હતી અને જાનથી મારી નાખવાની ધમકી પણ આપી હતી.
ફોન પર ધમકી, પાનની દુકાને બોલાવી નિશાન બનાવવાનો પ્રયાસ
ઘટનાથી બે દિવસ બાદ નૂરમામદના સાથી અને બીજી આરોપી હુસૈન સુમાર હિંગોરાએ પણ મુકેશને ફોન કરી ધમકી આપી. એટલું જ નહીં, રણજિતપરા વિસ્તારની એક પાનની દુકાન પર બોલાવી આક્રોશ વ્યક્ત કર્યો કે જો પાકિસ્તાન વિરુદ્ધ કંઈ બોલશે તો ગંભીર પરિણામો ભોગવવા પડશે.
પાકિસ્તાની નાગરિકો સાથે સંપર્કના પુરાવા મળ્યા
પોલીસે બંને આરોપીઓને ઝડપી તેમના મોબાઇલની તપાસ હાથ ધરી. જેમાં ખુલાસો થયો કે તેઓ વ્હોટ્સએપ, ફેસબુક જેવી સોશિયલ મીડિયા એપ્લિકેશન મારફતે પાકિસ્તાનના નાગરિકો સાથે સંપર્કમાં હતા. પોલીસે આ ડિજિટલ પૂરાવાઓ આધારે ગુનો નોંધ્યો છે અને આગળની તપાસ શરૂ કરી છે.
ભાણવડ પોલીસની કાર્યવાહી અને ગુનો નોંધવામાં આવ્યો
આ સમગ્ર મામલે ભાણવડ પોલીસ મથકે ફરિયાદ નોંધાઈ છે. પોલીસે ભારતીય ન્યાય સંહિતાની વિવિધ કલમો હેઠળ ગુનો નોંધીને બંને શખ્સની અટકાયત કરી છે. ગુનાની આગળની તપાસ ડીવાયએસપી હાર્દિક પ્રજાપતિના માર્ગદર્શન હેઠળ પીએસઆઈ પી.જે. ખાંટ કરી રહ્યા છે.
પૂર્વમાં પણ આવું કનેક્શન સામે આવ્યું હતું
આ ઘટના પહેલા પણ અમરેલી જિલ્લાના ધારી તાલુકાના હિમખીમડી ગામની એક મદરેસામાં ભણાવતા મૌલાના મોહંમદફઝલ અબ્દુલ અજીઝ શેખ પર પણ પાકિસ્તાન, બાંગ્લાદેશ અને અફઘાનિસ્તાન સાથે કનેક્શન હોવાનો આરોપ લાગ્યો હતો. તેના ફોનમાંથી પાકિસ્તાન અને અફઘાનિસ્તાનના સંભવિત દેશવિરોધી ગ્રુપ્સના સંપર્ક મળ્યા હતા.
સુરક્ષા એજન્સીઓ સતર્ક – તપાસ તીવ્ર કરી
ગુજરાતમાં સતત આવી ઘટનાઓ સામે આવી રહી હોવાથી સુરક્ષા એજન્સીઓ વધુ સતર્ક બન્યા છે. રાજ્યના વિવિધ શહેરોમાં આવા કનેક્શન ધરાવતા શખ્સોની તપાસ ઝડપથી હાથ ધરવામાં આવી રહી છે…