ગુજરાતમાં આગામી વિધાનસભાની ચૂંટણીઓના પડઘમ અત્યારથી જ વાગી ચૂક્યા છે, ત્યારે સત્તાધારી ભાજપ દ્વારા વિજયરથ અવિરત રાખવા માટે નવી નવી રણનીતિ પર કામ શરૂ કરાયું છે.
પ્રદેશ ભાજપના પ્રમુખ સીઆર પાટીલ દ્વારા દાવો કરાયો છે કે આગામી વિધાનસભા ચૂંટણીમાં ભાજપ રેકોર્ડ માર્જિનથી બેઠકો જીતવાની છે, સ્વાભાવિક છે કે પાર્ટી તેની તૈયારી માટે અવનવા પ્લાનિંગ, કાવા દાવા કે જોડ તોડ કરે.
ગત વિધાનસભા ચૂંટણીમાં સરકાર બચાવવા માટે ભાજપ માંડ માંડ બચેલું, ત્યારે આ વખતે તેવી હાલત ન થાય તે માટેની તકેદારી અત્યારથી જ રખાઈ રહી છે, પાટીદાર સામેની નારાજગી હોય કે આદિવાસી સમાજમાં પોતાની પકડ વધુ મજબૂત કરવાની હોય, કે પછી રાજ્યના દલિત સમાજમાં પેઠ જણાવવી હોય… આ દરેક પરિબળો પર ભાજપ બારીકાઈથી કામ કરી રહ્યું છે.
મળતાં સમાચારો પ્રમાણે અમદાવાદ શહેર દાણીલીમડા બેઠકના ધારાસભ્ય અને દલિત સમાજના યુવા નેતા શૈલેષ પરમારને ભાજપમાં સમાવવા માટેના મનામણાં કરાઈ રહ્યા છે, ઉલ્લેખનીય છે કે દલિત સમાજ મૂળભૂત રીતે દરેક ચુંટણીઓમાં કોંગ્રેસ તરફી રહ્યો છે, અને આ વખતે જો ભાજપ રેકોર્ડ બેઠકો મેળવવા માથે છે તો દલિત સમાજ વિના એ શક્ય નથી.
હાલમાં જ દલિત સમાજના મોટા ભાજપી નેતાઓએ શૈલેષ પરમાર સાથે બેઠકો કરી છે, ગુજરાત સરકારમાં મંત્રી પ્રદીપ પરમાર, પૂર્વ રાજ્યસભા સાંસદ શંભુ પ્રસાદ ટૂંડિયા, મણિલાલ વાઘેલા સાથે શૈલેષ પરમાર જોવા મળ્યા છે, ત્યારે ભાજપના ત્રણ સિનિયર નેતાઓ કોંગ્રેસના ધારાસભ્ય સાથે દેખાતા નવાજૂની થવાના એંધાણ જોવા મળી રહ્યા છે.
આ પહેલા જામનગરમાં આયોજિત કથામાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે કોંગ્રેસના ધારાસભ્ય શૈલેષ પરમારને પોતાની કારમાં બેસવા માટે આમંત્રણ આપ્યુ હતુ. ત્યારે હવે શૈલેષ પરમાર હિંમતનગરના સર્કિટ હાઉસમાં જોવા મળતા તેઓ નવા જૂના કરવાના મૂડમાં હોવાનું ચર્ચાઈ રહ્યું છે.
જીજ્ઞેશ મેવાણી સામે ભાજપને એક ચહેરો જોઈએ છે જે શૈલેષ પરમારના રૂપમાં હોય શકે.
અમદાવાદના દાણીલિમડા બેઠકથી કોંગ્રેસના ધારાસભ્ય શૈલેષ પરમારને કોંગ્રેસમાં દલિત સમાજનો ચહેરો માનવામાં આવી રહ્યો છે.બીજી તરફ અમદાવાદ શહેરમાં શૈલેષ પરમાર દલિત સમાજ પર સારી એવી પક્કડ ધરાવે છે.
મહત્વનું છે કે, હાલમાં ધારાસભ્ય જિગ્નેશ મેવાણીની કોંગ્રેસમાં એન્ટ્રી થઇ છે, જિગ્નેશ મેવાણીની પણ સમગ્ર ગુજરાતમાં દલિત સમાજ પર સારી એવી પક્કડ છે, બીજી તરફ રાહુલ ગાંધી અને કોંગ્રેસના સિનિયર નેતાઓ મેવાણીને મહત્વ આપી રહ્યાં છે, આ કારણે શૈલેષ પરમાર કોંગ્રેસમાં અંદરખાને નારાજ હોવાની ચર્ચાઓ જોર પકડ્યું છે.
શૈલેષ પરમારની નારાજગીનો આ ફાયદો ભાજપ લેવા માંગે છે, આમ પણ ભાજપ પાસે મેવાણીની સામે ટક્કર લેવા માટે મોટો ચહેરો જરુરી છે, જેથી આગામી ચુંટણીમાં દલિત સમાજને ભાજપ પોતાની તરફેણમાં લઈ શકે.