અમદાવાદ: ગુજરાત વિધાનસભાની ચૂંટણીઓ આડે ગણતરીના દિવસો બચ્યાં છે. જેમ જેમ ચૂંટણી નજીક આવી રહી છે તેમ તેમ ગુજરાતમાં નવી નવી જાહેરાતો કરવામાં આવી રહી છે. ત્યારે સરકાર વધુ એકવાર પ્રજાને ખુશ કરવા માટે પેટ્રોલ અને ડિઝલના ભાવમાં ઘટાડો કર્યો છે. નવો ભાવ આજ રાતથી લાગુ પડશે. આ મામલે મુખ્યમંત્રી રૂપાણી અને ડેપ્યુટી સીએમ નીતિન પટેલ પ્રેસ કોન્ફરન્સનું આયોજન કર્યું હતું.
ગુજરાતમાં આ ભાવ આજની મધરાત્રીથી લાગુ થઈ જશે. લોકોને હવે પેટ્રોલ રૂ. 67.53 અને ડીઝલ રૂ. 60.77 પ્રતિ લીટરના ભાવે પડશે. ઉલ્લેખનીય છે કે ગુજરાત સરકારે આ નિર્ણયને મહત્વપૂર્ણ અને પ્રજાને રાહત આપનારો ગણાવ્યો છે પણ આ જ સરકાર દ્વારા થોડા દિવસ પહેલા જ એવું કહેવાયું હતું કે બીજા રાજ્યોની જેમ ગુજરાતમાં દારૂની આવક નથી માટે પેટ્રોલ-ડીઝલના ભાવ ઘટાડવા શક્ય નથી. જોકે ચૂંટણી ટાંણે પ્રજાને અચ્છે દીન જરૂર જોવા મળ્યા છે તેવું કહેવું ખોટું નથી.