PM-GKAY Free Ration Gujarat : PM-GKAY હેઠળ ગુજરાતમાં 14 કરોડ લોકોને મફત અનાજનો લાભ, કેન્દ્ર સરકારે રાજ્ય માટે રૂ. 694 કરોડની સહાય ફાળવી
PM-GKAY Free Ration Gujarat : સરકારે પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ અન્ન યોજના (PM-GKAY) અંતર્ગત ગુજરાતમાં છેલ્લા ચાર વર્ષમાં આશરે 14 કરોડ લોકોને મફત અનાજ પહોંચાડ્યું છે. નાણાકીય વર્ષ 2021-22થી લઈને 2024-25 સુધી, રાજ્ય માટે રૂ. 1329 કરોડની ખાદ્ય સબસિડી જારી કરવામાં આવી છે. 25 માર્ચ 2025ના રોજ રાજ્યસભામાં સાંસદ પરિમલ નથવાણીના પ્રશ્નના જવાબમાં કેન્દ્રીય રાજ્ય મંત્રી નિમુબેન બાંભણિયાએ આ માહિતી આપી હતી.
PM-GKAY હેઠળ વર્ષવાર લાભાર્થીઓની સંખ્યા
2021-22: 3.45 કરોડ
2022-23: 3.44 કરોડ
2023-24: 3.52 કરોડ
2024-25: 3.68 કરોડ (ફેબ્રુઆરી 2025 સુધી)
રાજ્યને રૂ. 694 કરોડની સહાય
કેન્દ્ર સરકારે PM-GKAY અંતર્ગત અનાજ વહેચણી સાથે જોડાયેલા ખર્ચો, વાજબી ભાવની દુકાન (FPS) સંચાલકોના માર્જિન અને અન્ય ખર્ચોને પહોંચી વળવા માટે ગુજરાતને રૂ. 694 કરોડની એડિશનલ સહાય પણ ફાળવી છે.
દેશભરમાં PM-GKAY માટે 9.69 લાખ કરોડ ફાળવાયા
કેન્દ્રીય મંત્રી મુજબ, છેલ્લા ચાર વર્ષમાં સમગ્ર દેશમાં PM-GKAY માટે કુલ રૂ. 9,69,614.09 કરોડ ફાળવવામાં આવ્યા છે. જેમાંથી ભારતીય ખાદ્ય નિગમ (FCI)ને રૂ. 67,53,77.7 કરોડ અને ડિસેન્ટ્રલાઇઝ્ડ પ્રોક્યોરમેન્ટ (DCP) રાજ્ય માટે રૂ. 2,94,236.39 કરોડ ફાળવવામાં આવ્યા છે.
81.35 કરોડ લોકો માટે મફત અનાજનું લક્ષ્ય
PM-GKAY હેઠળ 2011ની વસ્તી ગણતરીના આધારે ગ્રામીણ વસ્તીના 75% અને શહેરી વસ્તીના 50% લોકોને આવરી લેવાનું લક્ષ્ય છે. હાલમાં 80.56 કરોડ લોકોને આ યોજના હેઠળ મફત અનાજનો લાભ મળી રહ્યો છે.
રાજ્ય મુજબ ખાદ્ય સબસિડી ફાળવાતી નથી
NFSA હેઠળ કેન્દ્ર સરકાર FCI મારફતે રાજ્યોને મફત અનાજ પ્રદાન કરે છે, જે માટે સબસિડી સીધા FCIને આપવામાં આવે છે. માત્ર DCPમાં ભાગ લેનારા રાજ્યો માટે રાજ્ય સરકારો સબસિડી પામે છે. કેટલાક જ રાજ્ય સરકારો સીધા અનાજની ખરીદી અને વિતરણની જવાબદારી વહન કરે છે, જ્યારે અન્ય રાજ્યોમાં એ કામગીરી FCI સંભાળે છે.
આમ, PM-GKAY દ્વારા રાજ્ય અને દેશના કરોડો લોકોને મફત અનાજ મળી રહ્યું છે, જે ગરીબ અને મધ્યમવર્ગીય પરિવાર માટે રાહતરૂપ સાબિત થઈ રહ્યું છે.