PM Modi : સુરતના 2 લાખથી વધુ લાભાર્થીઓને PMGKAY અંતર્ગત મફત અનાજ, PM મોદી 7 માર્ચે વિતરણ કરશે
ગાંધીનગર, બુધવાર
PM Modi : પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી 7 માર્ચ, 2025 ના રોજ સુરતની મુલાકાત લેશે, જ્યાં તેઓ પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ અન્ન યોજના (PMGKAY) હેઠળ 2 લાખથી વધુ પાત્ર લાભાર્થીઓને મફત અનાજ વિતરણ કરશે. આ મહત્ત્વપૂર્ણ કાર્યક્રમમાં ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ પણ હાજર રહેશે.
PMGKAY ની શરૂઆત કોરોના મહામારી દરમિયાન કરવામાં આવી હતી, જેનો ઉદ્દેશ્ય ગરીબ પરિવારોને મફત અને ગુણવત્તાયુક્ત અનાજ આપવાનો હતો. રાષ્ટ્રીય ખાદ્ય સુરક્ષા અધિનિયમ (NFSA) હેઠળ ગુજરાતમાં 76 લાખથી વધુ કાર્ડ જારી કરવામાં આવ્યા છે, જે રાજ્યના 3.72 કરોડથી વધુ લોકોને આ યોજનાના લાભો પૂરા પાડે છે.
સુરત જિલ્લા ખાદ્ય સુરક્ષા સંતૃપ્તિ અભિયાન
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના “યોજના સંતૃપ્તિ વિઝન” અને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના “અંત્યોદય કલ્યાણ પ્રાથમિકતા” અંતર્ગત સુરત જિલ્લામાં વિશેષ અભિયાન હાથ ધરાયું હતું. ગંગાસ્વરૂપ વિધવા સહાય યોજના, વૃદ્ધાવસ્થા પેન્શન યોજના અને અપંગ સહાય યોજના જેવી યોજનાઓ હેઠળ પાત્ર લાભાર્થીઓને PMGKAY નો લાભ આપવા માટે વિશેષ પ્રયાસ કરવામાં આવ્યા.
જિલ્લા વહીવટીતંત્ર દ્વારા તાલુકા અને ઝોન સ્તરે સર્વે અને ચકાસણી કરીને 1.5 લાખથી વધુ ગરીબ પરિવારોને ઓળખી NFSA કાર્ડ હેઠળ આવરી લેવાયા. આ પ્રક્રિયા પૂર્ણ કર્યા પછી, 7 માર્ચ, 2025ના રોજ PM મોદીના હસ્તે આ લાભાર્થીઓને મફત અનાજ વિતરણ કરાશે.
ગુજરાત સરકાર દ્વારા અપાતા વધારાના લાભો
ભારત સરકાર PMGKAY અંતર્ગત દર મહિને દરેક NFSA કાર્ડ ધારકને 5 કિલો મફત અનાજ (ઘઉં/ચોખા) પૂરું પાડે છે. સાથે, ગુજરાત સરકાર વધારાના ખાદ્ય પદાર્થો પણ રાહત ભાવે પૂરા પાડે છે:
1 કિલો તુવેર દાળ – ₹50/કિલો
1 કિલો ચણા – ₹30/કિલો
1 કિલો ખાંડ (AAY) – ₹15/કિલો
350 ગ્રામ ખાંડ (BPL) – ₹22/કિલો
1 કિલો ડબલ ફોર્ટિફાઇડ મીઠું – ₹1/કિલો
જન્માષ્ટમી અને દિવાળીના તહેવારો દરમિયાન, 1 કિલો વધારાની ખાંડ અને 1 લિટર મગફળી તેલ ₹100/લિટર ના સબસિડી દરે આપવામાં આવે છે.
આમ, PM નરેન્દ્ર મોદીના “અંતિમ માણસ સુધી કલ્યાણ”ના દ્રષ્ટિકોણ હેઠળ સુરત જિલ્લાના 2 લાખથી વધુ લાભાર્થીઓને આ અભિયાન દ્વારા મફત અનાજ વિતરણ થશે.