PM modi Gujarat visit 2025: ભુજમાં વડાપ્રધાનના હસ્તે ₹53 હજાર કરોડથી વધુના વિકાસકાર્યોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત
PM modi Gujarat visit 2025: વડાપ્રધાન નરેન્દ્ર મોદી 26 અને 27 મે, 2025ના રોજ બે દિવસ માટે ગુજરાતની મુલાકાતે આવી રહ્યા છે. આ મુલાકાત દરમિયાન તેઓ ભુજ, દાહોદ અને ગાંધીનગરમાં કુલ ₹82,950 કરોડના મોલ્યના વિકાસપ્રોજેક્ટ્સનું લોકાર્પણ તથા ખાતમુહૂર્ત કરશે.
ભુજ: સૌથી મોટી રકમના પ્રોજેક્ટ્સનું કેન્દ્ર
26 મેના રોજ ભુજ ખાતે વડાપ્રધાન ₹53,414 કરોડના ખર્ચે અમલમાં મૂકાયેલા 33 વિકાસકાર્યોનું લોકાર્પણ તથા ખાતમુહૂર્ત કરશે. આ કાર્યોમાં ઊર્જા, માર્ગ મકાન, પાવર ટ્રાન્સમિશન, સોલાર ઉર્જા, પવિત્ર યાત્રાધામ અને પોર્ટ સંબંધિત મોટા માપદંડના પ્રોજેક્ટ્સનો સમાવેશ થાય છે.
ભુજથી કંડલા પોર્ટ, લાકડિયા, જામનગર, મંજલ, જામબુડિયા વિડી અને ગિર સોમનાથ જેવા વિસ્તારો માટે સોલાર પ્લાન્ટ્સ, વીજ લાઇન્સ અને નવીન મંદિર પરિસરો જેવા વિકાસકારી કાર્યો શરૂ કરાશે. ખાસ કરીને ખાવડામાં થનારા રિન્યુએબલ એનર્જી ઝોન માટેના HVDC પ્રોજેક્ટ અને ગાંધીધામમાં અંડરગ્રાઉન્ડ વીજ નેટવર્ક ખાસ આકર્ષણ પામી રહ્યા છે.
દાહોદ: રેલવે અને પાણી પુરવઠા ક્ષેત્રે ક્રાંતિકારી કામ
દાહોદના ખરોડ ખાતે વડાપ્રધાનશ્રી ₹24 હજાર કરોડથી વધુના વિકાસપ્રોજેક્ટ્સનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરશે. મુખ્યત્વે રેલવે વિભાગ હેઠળ રોલિંગ સ્ટોક વર્કશોપ, નવા લાઇન ડબલિંગ અને ઈલેક્ટ્રિફિકેશનના કામો સંપન્ન થશે. ₹21,405 કરોડના ખર્ચે નિર્મિત લોકોમેટીવ મેન્યુફેક્ચરિંગ શોપ દેશને સમર્પિત કરવામાં આવશે.
આ ઉપરાંત પાણી પુરવઠાની ચાર જૂથ યોજનાઓનો પ્રારંભ થશે જે મહીસાગર અને દાહોદના 193 ગામોને પિયત અને પીવાના પાણીની સુવિધા આપશે. સ્માર્ટ સિટી, પોલીસ હાઉસિંગ અને શહેરી વિકાસના અનેક કાર્યોને પણ નવજીવન મળશે.
ગાંધીનગર: રાજ્યોના વિકાસને એક નવી દિશા
27 મેના રોજ ગાંધીનગરના મહાત્મા મંદિર ખાતે યોજાનાર કાર્યક્રમમાં વડાપ્રધાન ₹5,536 કરોડના ખર્ચે બનેલા વિકાસકામોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરશે. જેમાં શહેરી વિકાસ, જળસંસાધન, આરોગ્ય અને આવાસ યોજના હેઠળના વિવિધ પ્રોજેક્ટ્સ શામેલ છે.
ગાંધીનગર ખાતે યુ.એન. મહેતા ઇન્સ્ટિટ્યૂટ ઓફ કાર્ડિયોલોજીનું લોકાર્પણ થશે, જ્યારે અમદાવાદ ખાતે બનનારા નવા IPD બ્લોક માટે ખાતમુહૂર્ત કરવામાં આવશે. ખાસ કરીને સાબરમતી રિવરફ્રન્ટ ફેઝ 3 માટેના ₹1000 કરોડના ખર્ચે થનારા વિકાસકામો રાજ્ય માટે અત્યંત મહત્વપૂર્ણ છે.
સાથે સાથે રાજ્યના મ્યુનિસિપલ કોર્પોરેશનો અને નગરપાલિકાઓને કુલ ₹3300 કરોડથી વધુના ગ્રાન્ટના ચેક પણ વિતરણ કરવામાં આવશે, જે સ્થાનિક શહેરી વિકાસને વધુ ગતિ આપશે.