PM Modi Letter : રાજકોટના દિવ્યાંગ દંપતીને PM મોદીએ આપ્યો પત્ર દ્વારા જવાબ, દીકરી માટે પાઠવી શુભકામનાઓ
PM Modi Letter : રાજકોટ શહેરના મવડી વિસ્તારમાં રહેતા દિવ્યાંગ દંપતી માટે એક વિશેષ ક્ષણ ત્યારે આવી જ્યારે દેશના વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ તેમને પત્ર લખીને શુભકામનાઓ પાઠવી. વિપુલ પિત્રોડા અને તેમની પત્ની બંને દિવ્યાંગ છે અને બંનેને બે સંતાન છે. તેમની એક દીકરી બાળપણમાં જ ગંભીર બીમારી – કેન્સર અને કિડનીની તકલીફથી પીડાતી હતી.
આ ઘાતક બીમારી માટે રાજકોટમાં યોગ્ય સારવાર શક્ય નહોતી, જેના કારણે દંપતી પોતાની દીકરીને લઈને અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં પહોંચ્યા હતા. ત્યાં સરકારની ‘મા અમૃતમ કાર્ડ યોજના’ હેઠળ બાળકીનું મફત ઓપરેશન કરવામાં આવ્યું, અને સારવાર સફળતાપૂર્વક પુરી થઈ.
આ સફળતાથી ભાવવિભોર થયેલા પિતા વિપુલ પિત્રોડાએ PM મોદીને આ યોજના માટે આભાર વ્યક્ત કરતા પત્ર લખ્યો હતો. આ પત્રના જવાબમાં પ્રધાનમંત્રીએ જાતે પત્ર લખીને પરિવારને આશીર્વાદ આપ્યા હતા અને દીકરીના તેજસ્વી ભવિષ્ય તથા સારા આરોગ્ય માટે શુભેચ્છાઓ પાઠવી હતી.
છોકરી દોઢ વર્ષની હતી ત્યારે તેનું ઓપરેશન થયું હતું અને હાલ તે સ્વસ્થ જીવન જીવી રહી છે. આ પાત્રતાપૂર્ણ પત્ર વ્યવહાર દેશના પ્રધાનમંત્રીની સંવેદનશીલતા અને જનસેવાના અભિગમને દર્શાવે છે.