PM Modi Vadodara roadshow : શહેરમાં 24 કલાક માટે ‘નો-ફ્લાય ઝોન’ જાહેર કરવામાં આવી છે અને ડ્રોન ઉડાડવા પર પ્રતિબંધ મુકાયો
PM Modi Vadodara roadshow : વડાપ્રધાન નરેન્દ્ર મોદી આવતીકાલે વડોદરામાં ખાસ મહેમાન તરીકે આવવાના છે. ત્યારે આજે મુંબઈથી એરફોર્સ ગેટ સુધીનો રોડ શો માટે વિશાળ રિહર્સલ યોજાયો હતો. આ રિહર્સલ દરમિયાન ખાસ સુરક્ષા વ્યવસ્થા સાથે સંસ્કૃતિક સ્વાગતની ઝલક જોવા મળી હતી. વડોદરાના જૂના એરપોર્ટ પર પરંપરાગત અને સાંસ્કૃતિક કાર્યક્રમ પણ આયોજિત કરવામાં આવ્યો હતો.
રિહર્સલ દરમિયાન, રૂટ પર ઘણી જગ્યાઓએ ‘ઓપરેશન સિંદૂર’ અને ભારતીય સેના સાથે સંબંધિત પ્રતિકૃતિઓ જેમ કે બ્રહ્મોસ મિસાઈલના કટઆઉટ અને સિંદૂર ભરેલા ઘડાઓ મૂકવામાં આવ્યા હતા, જે દેશભક્તિ અને ગૌરવ પ્રગટાવતી તસ્વીર બની હતી.
આ વખતના રોડ શોમાં કર્નલ સોફિયા કુરેશીનો પરિવાર પણ હાજર રહેશે, જેને ભાજપ દ્વારા ખાસ આમંત્રણ આપવામાં આવ્યું છે.
રિહર્સલ દરમિયાન ટ્રાફિક વ્યવસ્થામાં ફેરફાર
આ રિહર્સલ લગભગ 15 મિનિટમાં એરપોર્ટથી એરફોર્સ ગેટ સુધી સફળતાપૂર્વક પૂર્ણ થયું. આ દરમ્યાન ટ્રાફિક વ્યવસ્થાને યોગ્ય રીતે જાળવવા માટે માર્ગો ડાયવર્ટ પણ કર્યા હતા. 40 થી વધુ વાહનોનો કાફલો રોડ પર દ્રશ્યમાન હતો.
વિશેષ સુરક્ષા વ્યવસ્થા
વડોદરા પોલીસે 2000થી વધુ પોલીસ અધિકારીઓ અને જવાનોને તહેનાત કર્યું છે, જેમાં 7 DCP, 15 ACP અને 70 PI સહિતની ટીમો શામેલ છે. SPG, NSG અને ચેતક કમાન્ડોના સુરક્ષા જવાનો પણ સફરમાં જોડાયેલા છે. શહેરમાં 24 કલાક માટે ‘નો-ફ્લાય ઝોન’ જાહેર કરવામાં આવી છે અને ડ્રોન ઉડાડવા પર પ્રતિબંધ મુકાયો છે.
PM મોદીનું સ્વાગત અને કાર્યક્રમ
વડોદરા એરપોર્ટ પર વડાપ્રધાનનું સ્વાગત નાસિક બેન્ડ, NCC, NSS, SRP, પોલીસ અને અન્ય વિવિધ બેન્ડ દ્વારા ભવ્ય રીતે કરવામાં આવશે. એરપોર્ટની બહાર ટાર્માક પર દેશભક્તિ અને સંસ્કૃતિને પ્રોત્સાહન આપતા કાર્યક્રમો યોજાશે, જે સ્થળનું વાતાવરણ વધુ ઉમદા બનાવશે.
રોડ શો દરમિયાન પ્રજાજનોને ભારતીય સેનાના શસ્ત્રો અને શસ્ત્રપ્રતીક પ્રદર્શિત કરીને દેશભક્તિનો રંગ રેલાવાશે.
આગામી કાર્યક્રમ વિશે
27 મેના રોજ ગાંધીનગરમાં પણ PM મોદીના ભવ્ય રોડ શોની યોજનાની તૈયારી ચાલી રહી છે. આજે ગાંધીનગરમાં પણ રોડ શો માટે રિહર્સલ યોજાઈ હતી, જેમાં પોલીસકર્મીઓ અને અધિકારીઓ હાજર રહ્યા હતા. ગાંધીનગરમાં આ રોડ શો મહાત્મા મંદિરથી જિલ્લા પંચાયત સુધી યોજાશે અને આ કાર્યક્રમ સૈનિકોને સમર્પિત હશે.