ઉત્તર પ્રદેશમાં આગામી મહિનાઓમાં યોજાનારી વિધાનસભાની ચૂંટણીને ધ્યાનમાં લઇને વડાપ્રધાન અનેક વખત ઉત્તર પ્રદેશની મુલાકાત લઈ ચુક્યાં છે. અહીં એમણે કરોડો રૂપિયાના વિકાસના કામોનું લોકાપર્ણ કર્યુ છે. ઉત્તર પ્રદેશ બાદ હવે તેઓ ગુજરાતના પ્રવાસે આવશે.
રાજ્યમાં વિધાનસભાની ચૂંટણી પહેલા વડાપ્રધાન મોદી ગુજરાતની મુલાકાતે આવશે. મોદી માર્ચ મહિનાથી ગુજરાતનો પ્રવાસ કરશે. વિધાનસભાની ચૂંટણી પહેલા પીએમ મોદીના ગુજરાતમાં 12 જેટલા પ્રવાસનું આયોજન કરવામાં આવ્યુ છે. મોદી મહિલા મોરચા અને યુવા મોરચાના મહાસંમેલન યોજાશે, જેમા તેઓ મહિલા અને યુવાઓને આહવાહન કરશે.
ગુજરાત રાજ્યમાં ભાજપ દ્વારા હવે એક દિવસ, એક જિલ્લો નામની એક નવી જ પહેલ શરૂ કરવામાં આવી છે. આ આયોજન અંતર્ગત ગુજરાત ભાજપના પ્રદેશ પ્રમુખ અને પ્રદેશ મહામંત્રીઓ એક આખો દિવસ એક જિલ્લા માટે ફાળવશે.
આજે ગાંધીનગર સ્થિત કમલમ ખાતે ગુજરાત પ્રદેશ પ્રમુખ સી.આર પાટીલની અધ્યક્ષતામાં પ્રદેશ હોદ્દેદારો, સાંસદો, ધારાસભ્યો અને જિલ્લા-તાલુકા પ્રમુખની બેઠક યોજાઈ હતી, જેમાં ભાજપના આગામી કાર્યક્રમો અંગે ચર્ચા કરવામાં આવી હતી.