પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનો બક્ષીપંચ મોરચાના કાર્યકર્તાઓ, સંસદસભ્યો તેમજ ધારાસભ્યો સાથે ઓડિયો બ્રીજના માધ્યમથી સંવાદ, હું નાના સમાજમાંથી આવુ છું, નાના લોકો વચ્ચે મોટો થયો છું, માટે નાના-નાના લોકોના મોટા કાર્યો કરવા છે.ગુજરાતને આગળ લઇ જવું હોય તો પાછળ રહી ગયેલા સમાજોને આગળ લાવવા જ પડે માટે જ આપણે ‘‘સબકા સાથ સબકા વિકાસ’’ના મંત્રને લઇને ચાલીએ છીએ.બક્ષીપંચ સમાજની હું જેટલી સેવા કરું તેટલી ઓછી છે.ઓબીસી પંચને બંધારણીય દરજ્જો આપવા માટેનું બીલ કોંગ્રેસે રાજ્યસભામાં પસાર ન થવા દઇ વધુ એક વખત ઓબીસી સમાજને અન્યાય કર્યો છે.
આજરોજ પ્રધાનમંત્રીશ્રી નરેન્દ્રભાઇ મોદીએ ગુજરાત ભાજપા બક્ષીપંચ મોરચાના જીલ્લા, મંડલ, શક્તિકેન્દ્ર સ્તર સુધીના પ્રભારીઓ તેમજ કાર્યકર્તાઓ તથા બક્ષીપંચ સમાજના ભાજપાના સંસદસભ્યો તેમજ ધારાસભ્યો સાથે ઓડિયો બ્રીજના માધ્યમથી સંવાદ કર્યો હતો.
આ સંવાદની શરૂઆતમાં પ્રધાનમંત્રીશ્રીએ બક્ષીપંચ સમાજના સૌ કાર્યકર્તાઓનો આભાર માનતા જણાવ્યું હતુ કે, આજે સાંજે ચૂંટણી પ્રચાર પૂર્ણ થવાનો છે. તમે બધાએ જે અભૂતપૂર્વ મહેનત કરી છે. ઘરે-ઘરે જઇને જે રીતે ભાજપાના પક્ષમાં લોકોને જોડવા માટે અથાગ પુરુષાર્થ કર્યો છે તેના ફળરૂપે ગુજરાતમાં ફરીથી કમળ ખીલી ઉઠશે તેનો મને સંપૂર્ણ વિશ્વાસ છે.
પ્રધાનમંત્રીશ્રી નરેન્દ્રભાઇ મોદીએ જણાવ્યું હતુ કે, ભાજપા સંગઠનમાં બક્ષીપંચ મોરચાનું વિશેષ મહત્વ છે. બક્ષીપંચ મોરચાની રચના પાછળનો આપણો હેતુ પણ એ જ હતો કે ‘‘સબકા સાથ સબકા વિકાસ’’. સરકારના પગલાઓનો લાભ સૌથી પહેલા જે લોકો પાછળ રહી ગયા છે તેમને મળવો જોઇએ. જેમને વિકાસ માટેની તક નથી મળી તેમને મળવો જોઇએ. આપણે ત્યાં પછાતપણું આર્થિક કારણોસર પણ હોય છે. પરંતુ ઘણું કરીને સામાજીક કારણોને લીધે પછાતપણું હોય છે. સમાજના રીતિરિવાજો, સમાજના બંધનો અને વેરણછેરણ જીંદગી તેના કારણે આવા સમાજો પાછળ રહી જાય છે. ગુજરાતમાં જ્યારથી આપણે સરકારમાં આવ્યા છીએ ત્યારથી આપણો નિરંતર પ્રયાસ રહ્યો છે કે, સમાજના છેવાડાના માનવીને વિકાસ માટેની સમાન તક મળે અને તે આગળ વધે. ચાહે નોકરીની તક હોય, ચાહે શિક્ષણની બાબત હોય, ચાહે આરોગ્યની સેવા આપવાની બાબત હોય કે પછી તેમને મકાન વિતરણમાં પ્રાથમિકતા આપવાની વાત હોય.
વિચરતી વિમુક્ત જાતિઓને યાદ કરતાં પ્રધાનમંત્રીશ્રીએ જણાવ્યું હતુ કે, હું ગુજરાતમાં હતો ત્યારે આપણે નક્કી કર્યુ કે જો તેમને ઘર આપીએ તો તેઓ બાળકોને ભણાવી શકે. જ્યારથી તેમને આ પ્રકારની જુદી-જુદી સુવિધાઓ આપવાનું શરૂ કર્યુ તો તે લોકો ઝડપથી આગળ વધવા લાગ્યા. ગુજરાતના આટલા મોટા બક્ષીપંચ સમાજને જો આપણે પ્રગતિના રસ્તા પર લઇ જઇએ તો હું નથી માનતો કે દુનિયામાં ગુજરાતને ટોપ મોસ્ટ પોઝીશન પર પહોચવામાં કોઇ તકલીફ પડે. ગુજરાતને આગળ લઇ જવું હોય તો પણ પાછળ રહી ગયેલા સમાજોને આગળ લાવવા જ પડે માટે જ આપણે ‘‘સબકા સાથ સબકા વિકાસ’’ને જ લઇને ચાલીએ છીએ.
પ્રધાનમંત્રીશ્રી નરેન્દ્રભાઇ મોદીએ જણાવ્યું હતુ કે, ભારત સરકારમાં આવ્યા પછી મેં જાણ્યું કે, ઓબીસી સમાજને લગતા અનેક પ્રશ્નો હતા. ભૂતકાળની સરકારોએ પછાત વર્ગ મંડલ કમિશન માટે ભાષણો તો ખૂબ કર્યા પણ કર્યું શું ? મેં તપાસ કરી તો ચોંકી ગયો.. તમને આશ્ચર્ય થશે કે, ભારત સરકારમાં બેંકો હોય, ઇન્સ્યોરન્સ કંપનીઓ હોય કે પછી ઓએનજીસી જેવા મોટા સરકારી એકમો હોય. પરંતુ તેમાં ઓબીસીને ન્યાય મળે તેવી કોઇ વ્યવસ્થા જ નહોતી. આપણે કાયદાકીય પરિવર્તનો કર્યા અને બક્ષીપંચ સમાજને સમાન અવસર મળે તેની ચિંતા કરી. ઠાકોર સમાજ હોય કે પ્રજાપતિ સમાજ. કોઇપણ બક્ષીપંચ સમાજ પાછળ રહી જાય તે ન ચાલે. બક્ષીપંચ સમાજોનો પરંપરાગત ધંધો ધીમે-ધીમે બંધ થતો જાય છે, આ બધા સમાજોને નવું શિક્ષણ આપવું પડે, નવી શક્તિ આપવી પડે તે દિશામાં આપણે આગળ વધી રહ્યા છીએ.
શ્રી નરેન્દ્રભાઇ મોદીએ જણાવ્યું હતુ કે, હમણાં આપણે બક્ષીપંચ સમાજ માટે મોટું કામ કર્યું છે, ઓબીસીને સબકેટેગરીવાઇઝ કરવા માટે નિવૃત્ત ન્યાયમૂર્તિનું કમિશન બનાવ્યું છે. ઓબીસીના લાભો સમાજના તમામ વર્ગોને સમાન રીતે મળે તેમાં કોઇપણ ભેદભાવ ન થાય. શક્તિશાળી હોય તે વધુ લાભ લઇ જાય અને જે ખરેખર જરૂરીયાતમંદ હોય તે રહી જાય તેવું ન થાય અને સમાજના છેવાડાના માનવી સુધી આ લાભો સમાન રીતે પહોચે તે માટે આ રચના કરી છે. તેનો રિપોર્ટ થોડા સમયમાં આવશે. તે લાગુ થવાથી અસમાનતા હટી જશે. તેવી જ રીતે ઓબીસી માટેની ક્રિમિલેયરની મર્યાદાનો મુદ્દો પણ લટકતો પડ્યો હતો. ૬ લાખ સુધીની આવક ધરાવતા હોય તેને જ લાભો મળતા હતા. ક્રિમિલેયરનો લાભ વધુ મળે તે હેતુથી આ મર્યાદા વધારીને ૮ લાખ સુધીની કરવામાં આવી છે. ઓબીસી પંચને બંધારણીય દરજ્જો આપવા માટેની માંગણી પણ છેલ્લા ૨૫ વર્ષથી ચાલતી હતી. અનામતના નામે રાજકારણ કરવાવાળી કોંગ્રેસે આ માંગણી ક્યારેય સ્વીકારી નહી. ઓબીસીના મતો લેતા ગયા પણ હકો ના આપ્યા. મને કહેતાં ગૌરવ થાય છે કે, અમે આ દિશામાં આગળ વધ્યા અને કાયદો બનાવવાનું નક્કી કર્યું. લોકસભામાં ભાજપાની બહુમતિ હોવાથી કાયદો પસાર કરી શક્યા. પરંતુ રાજ્યસભામાં બહુમતી ધરાવતી કોંગ્રેસે આ બીલ અટકાવી દીધું. અમે આ કાયદો લાવવા માટે કટિબદ્ધ છીએ. શ્રી નરેન્દ્રભાઇ મોદીએ જણાવ્યું હતુ કે, હું નાના સમાજમાંથી આવુ છું, નાના લોકો વચ્ચે મોટો થયો છું, માટે નાના-નાના લોકોના મોટા કાર્યો કરવા છે. બક્ષીપંચ સમાજની હું જેટલી સેવા કરું તેટલી ઓછી છે. ચૂંટણીની દોડધામ વચ્ચે આપ સૌએ સમય કાઢ્યો તે બદલ ખૂબ -ખૂબ આભાર. આપણે ગુજરાતને અટકવા દેવું નથી. આપણે ગુજરાતમાં જાતીવાદના ઝેરના બીજ રોપવા દેવા નથી. આપણે ગુજરાતને પ્રગતિના પંથે આગળ લઇ જવું છે. આપણે ‘‘સબકા સાથ સબકા વિકાસ’’ મંત્રને લઇ આગળ વધવું છે.
પ્રધાનમંત્રીશ્રી નરેન્દ્રભાઇ મોદીના આ ઓડિયો બ્રીજ સંવાદમાં ગુજરાતભરમાંથી ૪૦૦૦ કરતાં વધુ કાર્યકર્તાઓ જોડાયા હતા. અંતમાં પ્રધાનમંત્રીશ્રીએ કાર્યકર્તાઓએ પૂછેલા પ્રશ્નોના જવાબોમાં મુદ્રા યોજનાના લાભો, બક્ષીપંચ સમાજને મળતાં અનામત હેઠળના ફાયદાઓ, ઓબીસી પંચને સંવેધાનિક દરજ્જો આપવાથી થતા લાભો વગેરે જેવી બાબતો પર વિસ્તૃત ચર્ચા કરી હતી. પ્રધાનમંત્રીશ્રીએ કાર્યકર્તાઓ સાથેની વાતચીત દરમ્યાન ભાજપના જુના કાર્યકર્તાઓને યાદ કરી તેમના ખબરઅંતર પુછ્યા હતા


Dipal
Satyaday, Gujarat’s largest language media group, brings to you the most comprehensive Gujarati News Website. The app covers Latest Gujarati news from all around the world giving you a complete up-to-date coverage on news anytime and anywhere.