Queen Necklace Waterfall: ચિમેર ધોધ: ચોમાસાના રંગે રંગાયેલી કુદરતની ભેટ
Queen Necklace Waterfall: ચોમાસાની ઋતુમાં જ્યારે સમગ્ર તાપી જિલ્લો હરિયાળો બનતો હોય, ત્યારે સોનગઢના નજીક આવેલો ચિમેર ધોધ પોતાની સંપૂર્ણ ભવ્યતામાં જોવા મળે છે. સોનગઢથી માત્ર 25 કિલોમીટરની નજીક આવેલા ચિમેર ગામે આવેલો આ ધોધ પ્રવાસીઓ માટે કુદરતના ચમત્કાર જેવો અનુભવ બને છે.
પાણીની ત્રણ ધારા સાથે ‘ક્વીન નેકલેસ’ નો વિઝ્યુઅલ ઈફેક્ટ
ચિમેર ધોધ તેના ખાસ ‘ત્રિવેણી’ જેવી રચના માટે જાણીતો છે. વરસાદના સમયે ધોધ ત્રણ અલગ-અલગ બાજુથી તીવ્રતા સાથે વહે છે અને 200 ફૂટ ઊંચાઈ પરથી પડતી પાણીની આ ધારો મળીને એવું દર્શન આપે છે, જાણે કોઈ મહારાણીનો નેકલેસ પહેરાવાયો હોય. આ કારણે તેને લોકપ્રિય નામ મળ્યું છે – Queen Necklace Waterfall.
શાંત પણ રોમાંચક: ધોધનું બેધારી રૂપ
ઘાટીઓમાં લીલીછમ ઢાળ અને કાચા પથ્થરો વચ્ચે પડતો ધોધ એક તરફ શાંતિ આપે છે તો બીજી તરફ તેની ઝડપ રોમાંચક અનુભવ પણ આપે છે. વરસાદના દિવસે જ્યારે વાતાવરણ ધુમ્મસભર હોય છે, ત્યારે ધોધના શબદ અને દૃશ્ય બંને હૃદય સ્પર્શી બને છે.
ચિમેરનો સફર: તસવીરોમાં નહીં સમાય એવો અનુભવ
વિશિષ્ટ વાતાવરણ અને સતત વહેતી ધારા ચિમેર ધોધને દક્ષિણ ગુજરાતનું એક ખાસ ગુપ્ત રત્ન બનાવે છે. અહીંથી મળતી શીતળતા અને કુદરતની નજીક આવવાનો આનંદ એવો છે કે જો કોઈ એકવાર આવે, તો વારંવાર ફરવા ઈચ્છે.
દર વર્ષે હજારો પ્રવાસીઓ આવે
મહારાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના અનેક સહેલાણીઓ ચોમાસામાં અહીં નીકળે છે. ચિમેર ધોધની તસવીરો અને ડ્રોન ફૂટેજ સોશિયલ મીડિયા પર વાઈરલ થતા હોય છે, જે પ્રવાસીઓ માટે તેને મસ્ટ-વિઝિટ સ્થળ બનાવી દે છે.