Rabari settlement land ownership : અમદાવાદના રબારી વસાહતોના 1,100 પરિવારોને જમીનનો કાયમી માલિકી હક મળશે
Rabari settlement land ownership : અમદાવાદની રબારી વસાહતોમાં વસવાટ કરતા લગભગ 1,100 માલધારી પરિવારો માટે રાજ્ય સરકાર તરફથી મોટી રાહતની જાહેરાત કરવામાં આવી છે. ગુજરાત સરકારે મહત્વનો નિર્ણય લેતાં તેમણે હવે કાયમી રીતે તેમના ઘરોની જમીન પર માલિકી હક્ક આપવાનો માર્ગ ખુલ્લો કર્યો છે.
માલિકી હક્ક માટે લાંબા સમયથી માંગ
રાજ્ય મંત્રી જગદીશ વિશ્વકર્માએ ગાંધીનગરમાં પત્રકાર પરિષદને સંબોધન કરતાં જણાવ્યું કે, “1960-61માં રબારી સમાજના વસવાટ અને ઢોર માટે વ્યવસ્થિત સ્થાન માટે રાજ્ય સરકારે જમીન Ahmedabad Municipal Corporation (AMC)ને આપી હતી. ત્યારબાદ ઓઢવ, અમરાઈવાડી, જશોદાનગર જૂની અને નવી એમ ચાર વસાહતોમાં રબારી પરિવારોને પ્લોટ ફાળવાયા હતા.”
1,099 પ્લોટોની ફાળવણી
આ ચાર વસાહતોમાં કુલ 1,099 પ્લોટ ફાળવાયા હતા:
જશોદાનગર જૂની: 137 પ્લોટ
જશોદાનગર નવી: 440 પ્લોટ
ઓઢવ: 310 પ્લોટ
અમરાઈવાડી: 212 પ્લોટ
આ વસાહતોનું કુલ વિસ્તાર લગભગ 6,57,363 ચો.મી. છે.
હવે કાયમી માલિકી હક્ક મળશે
50 વર્ષથી વધુ સમયથી આ જમીનો પર કબજો ધરાવતાં પરિવારોએ સરકાર સમક્ષ વારંવાર માલિકી હક્કની માગણી કરી હતી. હવે રાજ્ય સરકારે આ મુદ્દે હકારાત્મક વલણ દાખવતાં કબજેદાર પરિવારોને રાહતભાવે જમીન વેચાણ દ્વારા કાયમી માલિકી હક્ક આપવાનો નિર્ણય લીધો છે.
કેટલી કિંમત ભરવી પડશે?
કબજેદારોએ હવે જમિનની હાલની જંત્રી મૂલ્યના માત્ર 15% જેટલી રકમ 6 મહિનામાં ભરવી પડશે, જેથી તેમને કાયમી માલિકી હક્ક મળી શકે.
મૂળ ફાળવણીદારના વારસદારો: ₹1,000 ટ્રાન્સફર ફી
અન્ય કબજેદારો: ₹20,000 ટ્રાન્સફર ફી
જમીન અનેક વાર બદલાઈ હોય તો: વધારાની ટ્રાન્સફર ફી નહીં લેવામાં આવે
સાથેસાથે, પહેલા ન ભરી શકેલુ ભાડું, લેણાં અને અન્ય વેરાઓ પણ AMCને ચુકવવાના રહેશે.
જમીનનું વેચાણ કે અન્ય ઉપયોગ મર્યાદિત
જમીન કાયમી હક્ક મેળવ્યા બાદ 10 વર્ષ સુધી તેને વેચી કે પરિવર્તિત કરી શકાશે નહીં અને માત્ર રહેણાંક હેતુ માટે જ ઉપયોગ કરી શકાશે. જો બાદમાં અન્ય હેતુ માટે ઉપયોગ કરવો હોય, તો સરકારની મંજૂરી લેવી પડશે અને જંત્રી દર પ્રમાણે નાણાં ભરવાના રહેશે.
કોમન પ્લોટ અને રસ્તાઓ ખુલ્લા રાખવાના રહેશે
માલિકી હક્ક મેળવવા ઇચ્છતા કબજેદારોએ મૂળ પ્લાન પ્રમાણે કોમન પ્લોટ, અંદરના રસ્તાઓ, ટીપી રોડ અને રિઝર્વ પ્લોટ જેવી જગ્યાઓ ખુલ્લી રાખવી ફરજીયાત રહેશે.
આ નિર્ણયથી હજારો રબારી પરિવારોને આશ્વાસન મળશે અને તેમની વર્ષોથી ચાલી આવતી જમીન સંબંધિત અનિશ્ચિતતા હવે દૂર થવાની આશા છે.