Rahul Gandhi Modasa Tour રાહુલ ગાંધી મોડાસા પ્રવાસે : ગુજરાત કોંગ્રેસ માટે નવા યૂગની શરૂઆત, દરેક જિલ્લામાં શક્તિશાળી ટીમની રચના
Rahul Gandhi Modasa Tour ગુજરાત કોંગ્રેસ માટે આગામી દિવસો જબરદસ્ત ઉથલપાથલભર્યા રહેવાના છે. કોંગ્રેસના નેતા રાહુલ ગાંધી 15 એપ્રિલે ગુજરાતના મોડાસા શહેરની મુલાકાતે આવી રહ્યા છે અને આ પ્રવાસ દરમિયાન તેઓ રાજ્યના સંગઠનાત્મક સ્વરૂપમાં મોટો પરિવર્તન લાવવાના છે. મળતી માહિતી અનુસાર, રાહુલ ગાંધી ગુજરાતના તમામ 34 જિલ્લાઓ અને 8 મહાનગરો માટે ખાસ ટીમોની નિયુક્તિ કરશે, જે પાર્ટીનું ભવિષ્ય ઘડશે.
દરેક જિલ્લા માટે ખાસ 5 સભ્યોની ટીમ
રાહુલ ગાંધી દરેક જિલ્લામાં એક રાષ્ટ્રીય નિરીક્ષક અને ચાર ગુજરાતના નિરીક્ષકોની ટીમ નિમશે. આ ટીમોને માત્ર જિલ્લા કે શહેર કોંગ્રેસ પ્રમુખના ચૂંટણી અને પસંદગી માટે જ નહીં, પણ સમગ્ર સંગઠનનું સુઘડ સંચાલન કરવાની જવાબદારી પણ સોંપવામાં આવશે. આ અભિયાન 2027માં યોજાનારી વિધાનસભાની ચૂંટણીને ધ્યાનમાં રાખીને તૈયાર કરવામાં આવ્યું છે.
15-16 એપ્રિલે રહેશે ખાસ તાલીમ અને માર્ગદર્શન
આ નિરીક્ષકોને 15 અને 16 એપ્રિલે વિશેષ તાલીમ આપવામાં આવશે. તેમની જવાબદારીઓ, કાર્યપદ્ધતિ અને સંઘટનના પાયાની સમજ અપાવાશે. રાહુલ ગાંધી 15મી એપ્રિલે ખાસ ઓરીએન્ટેશન સત્રમાં પણ હાજરી આપશે, જ્યાં તેઓ આ ટીમોને પ્રેરણા અને માર્ગદર્શન આપશે.
સંગઠનના પાયલટ મોડલની શરૂઆત ગુજરાતથી
ગુજરાત કોંગ્રેસના પ્રમુખ શક્તિસિંહ ગોહિલએ જણાવ્યું કે આ અભિયાન કોંગ્રેસ વર્કિંગ કમિટી દ્વારા મંજૂર કરાયેલું છે અને તેને “પાયલટ પ્રોજેક્ટ” તરીકે ગુજરાતમાંથી શરૂ કરવામાં આવી રહ્યું છે. જો આ મોડલ સફળ થાય, તો તેને દેશભરમાં અમલમાં મૂકવામાં આવશે.
અરવલ્લી જિલ્લામાં કાર્યકરો સાથે સીધો સંવાદ
રાહુલ ગાંધી 16 એપ્રિલે અરવલ્લી જિલ્લામાં કાર્યકરો સાથે સીધો સંવાદ કરશે. સંગઠનની તાકાત, મહેનત કરનારા કાર્યકરોને માન્યતા અને લોકસંવાદની ભૂમિકા અંગે ચર્ચા કરવામાં આવશે. આ સાથે કોંગ્રેસની નીતિઓ જનતાની નજીક પહોંચાડવા માટે નવી યોજના ઘડી શકાશે.
રાહુલ ગાંધીનો આ પ્રવાસ ગુજરાત કોંગ્રેસ માટે નવો ઉત્સાહ અને ઉર્જા લઈને આવી રહ્યો છે, જે પાર્ટીનું પાયાનું પુનર્નિર્માણ કરવા માટે મહત્વપૂર્ણ સાબિત થઈ શકે છે.