રાજ્યમાં ચોમાસાની ઋતુ દરમિયાન રાજ્યમાં સરેરાશ 140.98 ટકા વરસાદ થયો છે. જેના પરિણામે રાજ્યના 204 જળાશય-ડેમમાંથી 120 જળાશયો 100 ટકાથી વધુ ભરાયા છે એટલે કે છલકાયા છે. જ્યારે 55 જળાશયો 70 થી 100 ટકા વચ્ચે ભરાયા છે.
સરદાર સરોવર જળાશય તેની કુલ સંગ્રહશક્તિના 98.26 ટકા ભરાયો છે તેમ, રાજ્યના જળ સંપત્તિ વિભાગ, ગાંધીનગરના તા.3 ઓકટોબર-2019ના સવારે 8:00 કલાક સુધીના અહેવાલમાં જણાવાયું છે.
આ ઉપરાંત ઉત્તર ગુજરાતના 15 જળાશયોમાં હાલની સ્થિતિએ 74.21 ટકા, મધ્ય ગુજરાતના 17 જળાશયોમાં 98.45 ટકા, દક્ષિણ ગુજરાતના 13 જળાશયોમાં 99.42 ટકા, કચ્છના 20 જળાશયોમાં 76.63 ટકા તેમજ સૌરાષ્ટ્રના 139 જળાશયોમાં 91.96 ટકા આમ રાજયમાં કુલ-204 જળાશયોમાં 94.52 ટકા પાણીનો જથ્થો સંગ્રહાયેલો છે. અત્રે ઉલ્લેખનીય છે કે, ગત વર્ષે આજ દિવસે એટલે કે 3જી ઓકટોબર-2018ની સ્થિતિ 54.81 ટકા પાણીનો જથ્થો સંગહાયેલો હતો.
રાજ્યમાં હાલમાં મુખ્યત્વે સરદાર સરોવર ડેમમાં 2,50,155 કયુસેક, વણાકબોરીમાં 76,000 કયુસેક, કડાણામાં 62,870 ક્યુસેક, ઉકાઇમાં 39,485 ક્યુસેક તેમજ ભાદર-2માં 16,853કયુસેક પાણીની આવક થઇ રહી છે તેમ અહેવાલમાં વધુમાં જણાવાયું છે.
રાજયના કચ્છ ઝોનમાં મોસમનો સરેરાશ 173.17 ટકા, ઉત્તર ગુજરાત ઝોનમાં સરેરાશ 118.20 ટકા, પૂર્વ મધ્ય ગુજરાત ઝોનમાં સરેરાશ 128.33 ટકા, સૌરાષ્ટ્ર ઝોનમાં સરેરાશ 148.22 ટકા અને દક્ષિણ ગુજરાત ઝોનમાં સરેરાશ 143.7 ટકા વરસાદ સાથે રાજ્યનો કુલ વરસાદ 1150.41 મી.મી. એટલે કે સરેરાશ 140.98 ટકા નોંધાયો છે.